ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવ, બંગાળના DGPને હટાવવાનો ચૂંટણીપંચનો આદેશ
નવી દિલ્હી, 18 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે.
અગાઉ પણ પશ્ચિમ બંગાળના DGP હટાવાયા હતા
મહત્ત્વનું છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના DGPને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
16મી માર્ચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને આવશે. 16 માર્ચે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે, ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે મતદારો તેમના EPIC નંબર પરથી બૂથ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચે રાજકીય પક્ષોના ઈલેક્ટોરલ બોન્ડનો નવો ડેટા કર્યો જાહેર,આ વેબ સાઈટ પર જોઈ શકાશે