- RCB એ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું
- 114 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં હાંસલ કર્યો
- સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ટીમનું શાનદાર પ્રદર્શન
નવી દિલ્હી, 17 માર્ચ : મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024 ના ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન સાથે ટાઇટલ જીત્યું છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે (17 માર્ચ) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સ (DC) ને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. મેચમાં RCBને 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમે 2 વિકેટ ગુમાવીને માત્ર 19.3 ઓવરમાં મેળવી લીધો હતો. ટીમ માટે એલિસ પેરીએ અણનમ 35, સોફી ડિવાઈને 32 રન અને સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા. જ્યારે શિખા પાંડે અને મીનુ મણીએ 1-1 વિકેટ લીધી હતી. WPLની આ બીજી સિઝન હતી, જે RCB જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની હતી. બંને વખત દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આઈપીએલમાં અત્યાર સુધી 16 સીઝન રમાઈ છે અને આરસીબી મેન્સ ટીમ એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં છોકરીઓની સફળતાને કારણે વિરાટ કોહલી અને પુરૂષ ટીમ પર દબાણ વધવાનું નક્કી છે.
સારી શરૂઆત બાદ દિલ્હી આ રીતે નિષ્ફળ ગયું
આ ફાઇનલમાં ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી આખી ટીમ 18.3 ઓવરમાં 113 રન પર જ સિમિત થઈ ગઈ હતી. દિલ્હી માટે શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 23 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે 4 અને સોફી મોલિનેક્સે 3 વિકેટ લીધી હતી. મેચમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. ટીમે 7 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવ્યા હતા. પરંતુ અહીંથી સ્પિનર સોફી મોલિનેક્સે તબાહી મચાવી દીધી અને પ્રથમ 4 બોલમાં 3 વિકેટ લઈને આરસીબીની વાપસી કરી હતી. શેફાલી (44) બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગઈ હતી.
રોડ્રિગ્ઝ અને કેપ્સી ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા
આ પછી જેમિમાહ રોડ્રિગ્ઝ અને એલિસ કેપ્સી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. સોફીએ બંનેને ક્લીન બોલ્ડ કર્યા હતા. ચોથો ફટકો 74ના સ્કોર પર લાગ્યો હતો. શ્રેયંકા પાટીલે કેપ્ટન મેગ લેનિંગ (23)ને LBW આઉટ કર્યો હતો. આ પછી આશાએ એક જ ઓવરમાં મારીજેન કેપ (8) અને જેસ જોનાસન (3)ને શિકાર બનાવ્યા હતા. આ સતત આંચકાઓ બાદ દિલ્હીની ટીમ રિકવર કરી શકી ન હતી અને 113 રન પર પડી ગઈ હતી.
આરસીબીએ તેનું પ્રથમ ટાઇટલ જીત્યું
સ્મૃતિ મંધાનાની કપ્તાનીવાળી RCB ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી હતી, તેથી તેણે તેનું પ્રથમ ટાઇટલ પણ જીત્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને સીધી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જ્યારે એલિમિનેટર મેચમાં RCBએ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને કારમી હાર આપી હતી. આ પછી જ RCB ફાઇનલમાં પ્રવેશ્યું હતું. જો આ મેદાન પરના રેકોર્ડ પર નજર કરીએ તો દિલ્હીની ટીમને ફાઈનલ સુધી હોમ એડવાન્ટેજ હતી. તેણે 4માંથી 3 મેચ જીતી હતી. જ્યારે આરસીબીને 4માંથી માત્ર 2 મેચમાં જ સફળતા મળી હતી. આ સીઝનમાં દિલ્હીની ટીમે ફાઈનલ સુધી આ મેદાન પર 8માંથી 6 મેચ જીતી હતી, જ્યારે RCBએ 8માંથી 4 મેચ જીતી હતી. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ ત્રીજી ટક્કર હતી. આ પહેલા બંને મેચ લીગ તબક્કા દરમિયાન રમાઈ હતી. દિલ્હી બંને વખત જીત્યું હતું. પરંતુ ફાઇનલમાં આરસીબીનો વિજય થયો છે.