દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ, અમદાવાદના બે યુવાનોએ આ વાતને સાબિત કરવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો અને અમદાવાદના ઝૂંડાલ સર્કલ નજીક શરૂ કર્યું એક કોલ સેન્ટર. આ કોલસેન્ટરમાંથી અમેરિકાના લોન લેવા ઈચ્છુક નાગરિકોનો સંપર્ક કરવામાં આવતો હતો. ફોન પર તેમને ક્રેડિટ સ્કોર 700થી વધારી દેવા માટે ખાતરી આપીને માતબર રકમ પડાવવામાં આવતી અને એ પણ ડોલરમાં.
કેવી રીતે ફસાવતા અમેરિકન નાગરિકોને ?
સૌરભ મહેશકુમાર વર્મા અને ટીકમ કનૈયાલાલ વૈષ્ણવ નામના આ બંને આરોપીઓ ખુદને લેન્ડિંગ ક્લબ નામની લોન આપતી કંપનીના કર્મચારી તરીકે ફોન પર ઓળખ આપતા. ત્યારબાદ ક્રેડિટ સ્કોર વધારી આપવાનું કહીને તેઓને ઈબે, વોલમાર્ટ, ગુગલ પ્લેકાર્ડના ગીફ્ટની ખરીદી કરાવતા હતા અને તેના થકી તેઓ ખુદ કમાતા હતા. જરૂર પડ્યે આરોપીઓ અમેરિકાના નાગરિકોમાં વિશ્વાસ કેળવવા ઝૂમ કોલ પણ કરતા હતા.
6 મોબાઈલ, લેપટોપ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
ઝૂંડાલ સર્કલ નજીક આવેલા શરણ ફ્લેટમાં કોલસેન્ટરનું કારસ્તાન ચાલતુ હોવાની જાણના આધારે સાયબર ક્રાઈમની ટીમે ત્યાં દરોડા પાડ્યા. સૌરભ અને ટીકમને રંગેહાથ પકડી લેવાની સાથે પોલીસે 6 મોબાઈલ, લેપટોપ, વાઈફાઈ રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.