કેનેડામાં રહસ્યમય રીતે ઘરમાં લાગેલી આગમાં ભારતીય પરિવારનું મૃત્યુ, હત્યાની આશંકા
ઑન્ટેરિયો (કેનેડા), 15 માર્ચ: કેનેડાના ઑન્ટેરિયો પ્રાંતમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની કિશોરવયની પુત્રીનું રહસ્યમય રીતે ઘરમાં લાગેલી આગમાં મૃત્યુ પામ્યા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના 7 માર્ચની છે. ઘટનાસ્થળેથી મળી આવેલા મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા, જેની ઓળખ કરી લેવામાં આવી છે. પીડિતોની ઓળખ 51 વર્ષીય રાજીવ વારિકુ, 47 વર્ષીય તેમની પત્ની શિલ્પા કોથા અને 16 વર્ષની દીકરી મહેક વારિકુ તરીકે થઈ છે. આગ ફાટી નીકળ્યા બાદ બિગ સ્કાય વે અને વેન કિર્ક ડ્રાઇવ પરના તેમના ઘરમાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.
પોલીસ હત્યાના એંગલથી તપાસ કરી રહી છે
પ્રારંભિક તપાસ કરતા આ ઘટનાને રહેણાંક આગ હોવાનું નોંધવામાં આવ્યું હતું. જો કે, વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે આ આગ આકસ્મિક રીતે નહીં પરંતુ જાણીજોઈને લગાવવામાં આવી હતી. ઘટના વિશે વધુ વિગતો આપતા પીલ પોલીસ સ્ટેશનના કોન્સટેબ્લે કહ્યું કે, અમે હત્યાના એંગલથી પણ તપાસ કરી રહ્યા છીએ. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઘરમાં આગની જ્વાળાઓ ફાટી નીકળે તે પહેલા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેનાથી આસપાસનો વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. ત્યારબાદ એકાએક આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.
પરિવાર 15 વર્ષથી કેનેડામાં રહેતો હતો
પરિવારના પાડોશી કેનેથ યુસુફે જણાવ્યું કે વારિકુ પરિવાર આ મકાનમાં 15 વર્ષથી રહે છે. પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી. તેઓ એક સુખી કુટુંબ જેવા દેખાતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલો આ પરિવાર કાશ્મીરી પંડિત સમુદાયના હતા. હાલ પોલીસે આ મામલે વધુ તજવીજ હાથ ધરી છે. અને આગ લાગવા પાછળનું કારણ શોધી રહી છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, કચરાપેટીમાંથી મળ્યો મૃતદેહ