ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં હનુમાનજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
અમદાવાદ, 15 માર્ચ 2024. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે અમદાવાદથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે ઘાટલોડિયા મત વિસ્તારના કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે હાજર રહ્યાં હતાં. અમિત શાહે આજે સવારે ગુરૂકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરીને પ્રચાર શરૂ કર્યો હતો.
આખો દેશ કહે છે અબકી બાર 400 પાર
અમિત શાહે ગુરૂકુળ વિસ્તારમાં આયોજિત સભામાં કહ્યું હતું કે, 29 વર્ષ પહેલાં ભૂપેન્દ્રભાઈ કાઉન્સિલર હતા, હું ત્યારે ધારાસભ્યની પ્રથમ ચૂંટણી લડ્યો હતો. આ જ હનુમાન મંદિર દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કયો હતો. ભાજપ પ્રથમ પાર્ટી છે જેણે પડદા બાંધનારને ગૃહમંત્રી બનાવ્યા. 60 કરોડ લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો. 370 કલમ સમાપ્ત કરી, આતંકવાદીને ઘરમાં ઘૂસીને માર્યા. દેશની જનતાએ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું, PM મોદી ન માત્ર ભારતના પરંતુ વિશ્વના પણ લોકપ્રિય નેતા છે. આખો દેશ કહે છે અબકી બાર 400 પાર. તેમણે જણાવ્યું કે મોદીના નેતુત્વમાં દેશ સુરક્ષિત બન્યો છે. 15 ઓગષ્ટ 2047માં દેશ પ્રથમ ક્રમે હશે.
ઘાટલોડિયા મતવિસ્તારના કાર્યકરો સાથે મંથન કર્યું
અમિત શાહે ઘાટલોડિયા સ્થિત મધ્યસ્થ કાર્યાલય પર ઘાટલોડિયા મતવિસ્તારના કાર્યકરો સાથે મંથન કર્યું હતું. તેમણે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકસભાની ચૂંટણી માત્ર સાંસદ બનાવાની નથી. દરેક મતદારોને મતપેટી સુધી લાવવાના છે. આપણા બુથનો કોઈ મતદાર રહી ના જાય તેવી રીતે પ્રચાર કરો. તેમણે કાર્યક્રરોને ભાજપનો નહિ પરંતુ ભારતનો પ્રચાર બને તેવી કામગીરી કરવા હાકલ કરી હતી.
અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપનો સૌથી મોટો ગઢ
અમદાવાદમાં ઘાટલોડિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે. આ વિસ્તાર ભાજપનો સૌથી મોટો ગઢ માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર પણ ભાજપના બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ અને પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા પણ લોકો સામે જઈને ભાજપના વિકાસની વાત કરી રહ્યાં છે. ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં 12 ઉમેદવારોને રીપિટ કરીને 10 વર્તમાન સાંસદોનું પત્તુ કાપ્યું છે. હજી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
આ પણ વાંચોઃલોકસભા ચૂંટણી 2024: જાણો અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાના મનની વાત