રાજકોટના જસદણ પંથકમાં સામે આવી માનવ તસ્કરીની ઘટના, જાણો આખો બનાવ
- દેવપરા ગામની 13 વર્ષની બાળકીએ દૂષ્કર્મ બાદ જન્મ આપેલા બાળકને તબીબે વેંચી નાખ્યું
- કૌટુંબિક ભાઈ અને કાકાએ ધાક ધમકી આપી 9-9 મહિના સુધી સગીરાનો દેહ પીંખ્યો
- ગર્ભવતી બન્યા બાદ કમળાપુરના તબીબે પ્રસુતિ કરાવી નિઃસંતાન દંપતીને બાળક સોંપી દીધું
રાજકોટ, 14 માર્ચ : રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવપરા ગામે રહેતી 13 વર્ષની બાળકીનો તેના કૌટુંબિક ભાઈ અને કાકાએ 9 મહિના સુધી દેહ પીંખ્યાં બાદ તે ગર્ભવતી બનતા કમળાપુરમાં આવેલ ક્લિનિકમાં પ્રસુતિ કરાવી હતી. જે બાળકને તબીબો પોતાની પાસે રાખી નિઃસંતાન દંપતીને વેંચી દીધું હતું. આમ આ ખળભળાટ મચાવતી ઘટનામાં જસદણ પોલીસ મથકે બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદ ઉપરથી તબીબ, એક સગીર અને એક અન્ય શખસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે અન્ય એક શખસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બાળકીના પિતાએ નોંધાવી ફરિયાદ
મળતી માહિતી મુજબ, જસદણના દેવપરા ગામે રહેતા પ્રૌઢે જસદણ પોલીસ મથકે કમળાપુરમાં શ્રીજી ક્લિનિક નામે હોસ્પિટલ ચલાવતા ડો. ઘનશ્યામ રાદડિયા તેમજ પોતાના કૌટુંબિક બે સગા અને એક અન્ય મળી કુલ 4 સામે દૂષ્કર્મ, પોકસો, માનવ તસ્કરી સહિતની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પ્રૌઢે જણાવ્યું હતું કે, તેને સંતાનમાં 13 વર્ષ અને 5 મહિનાની દીકરી છે. હાલમાં તે અભ્યાસ કરે છે. એકાદ વર્ષ પહેલાં તેના ગામમાં ઘર નજીક રહેતા કૌટુંબિક સગા કે જે બાળકીને કાકા અને ભાઈ થાય છે તેઓએ ધાક ધમકી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા બાદમાં તેઓ અવારનવાર તેને પોતાની હવસનો શિકાર બનાવતા હતા. જો બાળકી તેનો વિરોધ કરે તો તેઓ ભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા જેના પગલે બાળકી મૂંગા મોઢે બધું સહન કરતી હતી.
13 વર્ષની બાળકીએ પુત્રને જન્મ આપ્યો
વારંવાર દૂષ્કર્મના પગલે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જે અંગે પરિવારજનોને જાણ થઈ હતી. દરમિયાન સગીરાને સાડા આઠ માસનો ગર્ભ હતો. જે બાદ સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા કમળાપુરના શ્રીજી ક્લિનિકમાં ખસેડવામાં આવી હતી. જે બાદ ડો.ઘનશ્યામ રાદડિયાએ બાળકીની પ્રસુતિ કરી હતી એટલે કે પોણા બે મહિના પહેલા અહીં ફક્ત 13 વર્ષની દીકરીએ પુત્રને જન્મ આપ્યો હતો.
સમાજમાં બદનામીની બિકથી અગાઉ ફરિયાદ ન કરી
દરમિયાન પ્રસુતિ બાદ બાળકીએ જન્મ આપેલું નવજાત શ્રીજી ક્લિનિકના ડો.ઘનશ્યામ રાદડિયાને આપી દેવામાં આવ્યું હતું અને પરિવારના સભ્યો તેમજ આરોપી અને ભોગ બનનાર ત્યાંથી રવાના થયા બાદ ગણતરીના સમયમાં જ ડોક્ટરે આ શિશુ નિઃસંતાન દંપતીને વેચી દીધું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ ચોંકાવનારી ઘટનામાં બંને પરિવારો વચ્ચે સમાધાન કરી લેવામાં આવ્યું હતું જેમાં આરોપીઓએ ગામ છોડી અન્ય જગ્યા ઉપર જતું રહેવાનું તેમજ ક્યારેય ગામમાં પરત નહિ આવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેઓ ચાલ્યા પણ ગયા હતા જો કે તાજેતરમાં જ આરોપીઓ પરત પોતાના ગામ પરત ફર્યા હતા અને ભોગ બનનારના ઘર સામે ઉભા રહ્યા બાદ તેણીના પિતા સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું જેના પગલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ત્રણ શખસોની કરી ધરપકડ
આ સમગ્ર બનાવમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે આઇપીસી 376, 370 અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ઉપરાંત ડોકટર સામે બાળકને વેચી નાખવાનું એટલે કે માનવ તસ્કરીનો ગુનો નોંધાવામાં આવ્યો છે. જેના પગલે પીઆઈ તપન જાનીના માર્ગદર્શન હેઠળની ટીમે પ્રકરણમાં હાલ આરોપી ડોકટર અને કૌટુંબિક કાકા, કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે. જ્યારે કે એક સગીર આરોપીની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે.