ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાની પક્ષમાંથી હકાલપટ્ટી
વડોદરા, 14 માર્ચ 2024, લોકસભા બેઠક ઉપર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. વડોદરા શહેરના ભાજપના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇ ભાજપ દ્વારા તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. જેમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે. તેમની હકાલપટ્ટી થતાં સમગ્ર વડોદરા ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પહેલાં જ પક્ષ દ્વારા આ પગલું લેવાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
પ્રેસ કોન્ફરન્સમાં સવાલો ઉઠાવ્યા
વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવતા ભાજપના હોદ્દાદારોમાં ભારે નારાજગી જોવા મળી છે. ડો. જ્યોતિબહેન પંડ્યાએ પત્રકાર પરિષદ કરીને ભાજપમાં ચાલતી જૂથબંધી અને સાંસદ રંજનબહેન ભટ્ટને કયા કારણોસર રિપીટ કરવામાં આવ્યા? તેવા સવાલો ઉઠાવ્યા હતા. ડો. જ્યોતિબહેન પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, હું સાંસદ રંજનબહેન ભટ્ટ કરતા ઉચ્ચ શિક્ષીત છું. હું મેયર હતી ત્યારે શહેરનો વિકાસ કર્યો છે. વડોદરા વિકાસમાં રાજ્યના અન્ય શહેરો કરતા પાછળ છે તેની નોંધ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષને લેવી પડે તે શરમ જનક બાબત છે. અન્ય શહેરોમાં જે રીતે વિકાસ માટે ફંડ આવે છે તેજ રીતે વડોદરામાં આવે છે તો તે ફંડ ક્યાં જાય છે? હું વર્ષોથી ભાજપમાં કામ કરી રહી છું. વડોદરાના વિકાસ માટે હવે પછી જે કંઇ નિર્ણય લેવાનો થશે તે લઇશ. હાલમાં મેં કોઇ પક્ષમાં જવાનો કોઇ નિર્ણય લીધો નથી, વડોદરાના વિકાસ માટે જે કંઇ કરવાનું થશે તે કરવા માટે હું સક્ષમ છું.
રાજકોટમાં ભાજપની બે મહિલા કોર્પોરેટરની પાર્ટીમાંથી હકાલપટ્ટી
રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનાનાં ડ્રોમાં મોટું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું. જેમાં વોર્ડ નં. 5ના કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6ના કોર્પોરેટર દેવુબેન જાદવનાં પતિ દ્વારા પત્નીનાં પદનો ફાયદો લઈ મળતિયાઓને આવાસ ફાળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર મામલે મ્યુનિ. કમિશનરે એક તપાસ સમિતિની રચના કરી હતી. જેના રિપોર્ટમાં બંને કસૂરવાર હોવાનું ખુલતા ભાજપે 48 કલાકની નોટિસ આપી હતી. જેમાં બંને કોર્પોરેટરોએ રજૂ કરેલા બચાવને ફગાવી દઈ હાલ 6 વર્ષ માટે બંનેને ભાજપનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે ભાજપે બંનેને માત્ર ભાજપનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરી સંતોષ માની લીધો છે. જેને લઈ બંન્ને અપક્ષનાં નગરસેવક તરીકે કોર્પોરેટર પદે યથાવત રહેશે.