ગુજરાતચૂંટણી 2022ધર્મફન કોર્નરવિશેષ
રાજકોટ : મર્યાદા પુરુષોત્તમના જીવનના વિવિધ પ્રસંગોની ઝાંખી કરાવતું ‘રામવન’ તૈયાર
રાજકોટમાં ભાવનગર રોડ ઉપર આજીડેમ નજીક કિસાન ગૌ શાળા પાસે તૈયાર થઈ રહ્યું છે એક એવું સ્થળ જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના વનવાસના 14 વર્ષની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ સ્થળને રામવન નામ આપવામાં આવ્યું છે.
117 વિઘા જમીનમાં આકાર લેશે રામવન, 98 ટકા કામ પૂર્ણ
ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં અર્બન ફોરેસ્ટના 47 એકર એટલે કે 117 વીઘાની જગ્યામાં રામવન આકાર લઇ રહ્યું છે. રામ વનનું 98 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. રામ વનની વિશેષતા એ છે કે, ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસના પ્રસંગો આબેહૂબ કંડારવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા અલગ અલગ પ્રસંગોની ઝાંખીના દર્શન પણ થશે. આગામી જન્માષ્ટમી સુધીમાં રામવન ખુલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે. હાલ રામ વનનું 2 ટકા બાકી રહેલું નાનુ-મોટુ ફિનિશિંગ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવાશે.
રામવનમાં ધનુષ આકારનો પ્રવેશદ્વાર, યોગમુદ્રા સાથે ઋષિઓના સ્ટેચ્યુ
રાજકોટમાં તૈયાર થઈ રહેલા રામવનમાં પ્રવેશ દ્વાર એટલે કે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે ભગવાન રામના ધનુષ આકારનો તૈયાર કરવામાં આવ્યો છે. થોડે આગળ ભગવાન રામની વિશાળ મૂર્તિના દર્શન કરવા મળે છે. ત્યારબાદ થોડે આગળ જટાયુ ચોક ખાતે જટાયુ દ્વાર આકર્ષણનું કેન્દ્ર છે. તેના પર જટાયુ બેઠેલા નજરે પડે છે. તેનાથી આગળ બાળકોને રમવા માટે હીંચકા, લપસીયા અને નાનું મેદાન બનાવ્યું છે. અહીં સાથે સાથે ઋષિમુનિઓ દ્વારા જંગલમાં જે રીતે યોગ કરવામાં આવતા હતા તે યોગ મુદ્રાના સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે.
રામ અને શબરીનું મિલન, રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર જોવા મળશે
આ રામવનમાં ભગવાન રામનો રાજ્યાભિષેક સમયનું સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. ત્યાંથી આગળ એક નાનું તળાવ બાદમાં મોટું તળાવ, રામ અને શબરીનું મિલન જોવા મળે છે. જેની બાજુમાં એક થિયેટર બનાવવામાં આવ્યું છે. થિયેટરની આગળ જોવામાં આવે તો ભગવાન રામ અને સુગ્રીવ સેનાએ તેમજ તેનાથી આગળ જડીબુટીના બદલે આખો પર્વત ઉપાડીને લઇ આવેલા હનુમાનજી મહારાજનું સ્કલ્પ્ચર જોવા મળે છે.
માતા સીતાના હરણનું સ્કલ્પ્ચર, રામસેતુનું પણ નિર્માણ
આ રામવનમાં આગળ ભગવાન રામ અને સીતા માતા હરણને નિહાળતા સ્કલ્પ્ચર પણ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ખાસ તળાવ ઉપર એક રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે. જેનાથી આગળ જતા ભગવાન રામ-લક્ષ્મણ અને સીતા માતાના વનવાસ સમયની ઝાંખી કરાવતું સ્કલ્પ્ચર જોવા મળે છે.
સુરક્ષા તેમજ મનોરંજનની પણ ખાસ વ્યવસ્થા, એક હોલ અને ઓફીસ પણ બનાવાઈ
રામવનમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અથવા આ પાર્કને કોઈ નુકશાન ન પહોંચાડે તે હેતુથી સમગ્ર વનને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં બે ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી સુરક્ષાકર્મીઓ સતત નજર રાખી શકે છે. દરેક દ્વાર ઉપર સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. તેમાં મનોરંજન માટે ડોલ્બી સાઉન્ડ સીસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે અહીં એક વિશાળ મીટિંગ હોલ અને ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાથી ભવિષ્યમાં કોઈ મીટિંગ, બેઠક કે કોન્ફોરેન્સનું પણ અહીં આયોજન કરી શકાય છે.
14 કરોડના ખર્ચે નિર્માણ, જન્માષ્ટમી સુધીમાં લોકાર્પણ
આ રામવન રૂ.14 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. જેમાં આખા રામાયણ પ્રસંગોને 25 ભાગમાં રજૂ કરવામાં આવ્યા છે. આ વનમાં 55થી60 પ્રકારના 60 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં 22 જેટલા સ્કલ્પચર મુકવામાં આવ્યા છે જેની પાછળ રૂ.1.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રામવનનું લોકર્પણ જન્માષ્ટમીમાં કરવામાં આવે તેવી તૈયારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે થોડા જ દિવસોમાં જાહેરાત પણ થઈ શકે છે.