ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક: 18 OTT એપ્સ અને 19 વેબસાઈટ પર મૂક્યો પ્રતિબંધ

  • વારંવાર આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ પ્લેટફોર્મ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી, 14 માર્ચ: કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. આ વખતે વેબસાઈટ, એપ્સ સહિત ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 18 OTT એપ્સ, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને ઘણી વખત ચેતવણી આપી હતી. આ પ્લેટફોર્મ વારંવાર આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. જેથી આખરે અંતિમ પગલાં સ્વરૂપે મંત્રાલય દ્વારા આ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે શું કહ્યું?

સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, આ OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી બતાવવામાં આવી રહી હતી. જેથી આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને આવી ગંદી સામગ્રી(Content) દૂર કરવા માટે ઘણી ચેતવણીઓ આપી હતી.

કઈ-કઈ  OTT એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

જે 18 OTT એપ્સને દૂર કરવામાં આવી છે તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને PrimePlayનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે, આ એપ્સ અને પ્લેટફોર્મ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA (Indecent Representation of Women Prohibition Act) 1986ની કલમ 4 હેઠળ લગાવવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા ચેનલો પણ બ્લોક કરી દેવામાં આવી

આ પ્રતિબંધિત એપમાંથી એક એપને ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે એપ્સને 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ(ટ્વિટર) અને યુટ્યુબ પર અશ્લીલ સામગ્રીવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહી હતી. આવા 57 સોશિયલ મીડિયા હેન્ડલને પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ કન્ટેન્ટ સાથે ફેસબુકની 12, ઈન્સ્ટાગ્રામની 17, X(ટ્વિટર)ની 16 અને YouTubeની 12 ચેનલોને બ્લોક કરવામાં આવી છે.

આ પણ જુઓ: આયર્ન લંગ્સના સહારે જીવતા પોલ એલેક્ઝાન્ડરનું મૃત્યુ, જાણો શું છે આયર્ન લંગ્સ?

Back to top button