ગુજરાતમાં ભાજપે કુલ 22 ઉમેદવારો જાહેર કર્યા, 10 સાંસદોનું પત્તુ કાપી નાંખ્યું
અમદાવાદ, 13 માર્ચ 2023, ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. નો રીપિટ થિયરીમાં 10 સાંસદોના પત્તા કપાઈ ગયાં છે. આ વખતે 10 નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. હજી ચાર ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. ત્યાં બેથી ત્રણ સીટ પર નવા ઉમેદવારને મોકો મળી શકે છે. ચાર બાકી રહેલી બેઠકો પર આગામી 15મી સુધી નામોની જાહેરાત થાય તેવું સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપે પહેલી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના 15 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા હતાં. આ 15માંથી પાંચ ઉમેદવારોના પત્તા કપાયા હતાં અને 10 ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા હતાં. જ્યારે બીજી યાદીમાં સાત ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં પાંચ સાંસદોના પત્તા કાપી નાંખીને નવા ચહેરાને તક આપવામાં આવી છે.
22 ઉમેદવારોમાં 12 ઉમેદવારોને રીપિટ કરાયા
ગુજરાતના જાહેર થયેલા 22 ઉમેદવારોમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેનનું પત્તુ કપાયું
જ્યારે બીજી યાદીમાં ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તુ કપાયું છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટીકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને હવે જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જ્યારે વલસાડથી કે.સી. પટેલની જગ્યાએ ધવલ પટેલને ટીકિટ આપવામાં આવી છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે અને ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃબીજી યાદી બાદ કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને ફોન કર્યો, ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરો