સુરતમાં વિપક્ષની રેડઃ લાયબ્રેરી અને આંગણવાડીના કમ્પાઉન્ડમાં મળી દારૂની ખાલી બોટલો
સુરત 13 માર્ચ 2024: સુરતનાં પરવટ-કુંભારિયામાં સુરત મહાનગરપાલિકા સંચાલિત મદનલાલ ધીંગરા વાંચનાલય અને આંગણવાડીમાં SMC વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયા અચાનકથી મુલાકાત લીધી હતી. મુલાકાત લેતા ઇમારતોનાં ધાબા પર અને કમ્પાઉન્ડમાં ખાલી દારૂની બોટલો,ખાલી ઇન્જેક્શન મળી આવ્યા હતાં. જેને લઈને આમ આદમી પાર્ટી નેતાઓ તથા કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો
વિપક્ષ નેતાએ કાર્યકર્તાઓને સાથે રાખી કરી મુલાકાત
સુરત મનપા વોર્ડ-18નાં પરવટ-કુંભારીયામાં પાલિકા સંચાલિત મદનલાલ ધીંગરા વાંચનાલય અને આંગણવાડી બાબતે ફરિયાદો મળતા વિપક્ષ નેતા પાયલ સાકરીયા અને ‘આપ’ નાં કાર્યકરોએ ત્યાંનાં સ્થાનિકોને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી. જે દરમિયાન ધાબા પર અને કમ્પાઉન્ડમાં ખાલી દારૂની બોટલો,ખાલી ઇન્જેક્શન મળી આવ્યા હતાં.
વાંચનાલય, આંગણવાડીમાં અસામાજીક તત્વોનો ત્રાસ
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અહીં અસામાજિક તત્વોનો ત્રાસ છે. તેઓ દીવાલ કૂદીને અંદર આવે છે અને અંદર દારૂ અને ડ્રગ્સ લેવા જેવી અસામાજિક પ્રવૃતિઓ કરે છે. તેથી કમ્પાઉન્ડ વોલ ઉંચી કરવા તેમજ તેના પર તાર ફેનસિંગ કરવા માટે પાયલ સાકરીયાએ અધિકારીઓને સૂચનાં આપી તેમજ યોગ્ય સાફ સફાઈ થતી ન હોવાથી યોગ્ય સાફ સફાઈ માટે તેમજ બારીઓ રિપેર કરાવવા માટે પણ સૂચન કર્યું હતું.
રીઢાનશાખોરોને પોલીસનો પણ ડર નથી રહ્યો
SMC વિપક્ષ નેતા પાયલ સાકરીયા આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનાં રાજમાં વાંચનાલય અને આંગણવાડીનું કમ્પાઉન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ભાજપનાં શાસનમાં ખુલ્લેઆમ દારૂ મળે છે તેનો જીવતો જાગતો પુરાવો એટલે મદનલાલ ધીંગરા આંગણવાડીનું કમ્પાઉન્ડ, ઇન્જેક્શનને દારૂની ખાલી બોટલ મળી આવી મતલબ રીઢાનશાખોરોને પોલીસનો પણ ડર નથી રહ્યો. તેમજ અહીંયા ઇન્જેક્શન મળવાથી ખ્યાલ આવી જાય કે અહીંયા ડ્રગ્સનો ઉપયોગ બેરોકટોક થતો હોવો જોઈએ