ટોપ ન્યૂઝનેશનલ

મુખ્ય ન્યાયાધીશે દેશની સ્વસ્થ લોકશાહી અંગે કરી ટકોર,સરકાર અને વિપક્ષ પર સાધ્યો નિશાન

Text To Speech

હાલમાં દેશની સર્વોચ્ય અદાલત તેના ચુકાદા કરતાં ન્યાયાધીશના નિવેદનના કારણે ચર્ચામાં છે. જેમાં દેશના મુખ્ય ન્યાયાધીશે વર્તમાન સ્થિતિ અંગે ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણે કહ્યું હતું કે એક સમય એવો હતો કે જ્યારે વિપક્ષ અને સરકાર વચ્ચે એકબીજા પ્રત્યે સન્માન હતું જે હવે ઘટી રહ્યું છે. રાજકીય વિરોધ દુશ્મનીમાં બદલાઇ જાય તે સ્વસ્થ લોકશાહી માટે સારા સંકેતો નથી.

મુખ્ય ન્યાયાધીશે આ નિવેદન રાજસ્થાન વિધાનસભામાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી અસોસિએશન (સીપીએ) દ્વારા આયોજીત કાર્યક્રમમાં આપ્યું હતું. આ પહેલા કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે દેશની વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વધીને પાંચ કરોડ સુધી પહોંચી ગઇ છે જે દેશ માટે ચિંતાજનક બાબત છે. તેમના આ નિવેદન વચ્ચે જ દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણે પણ પેન્ડિંગ કેસો અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે પેન્ડિંગ કેસો વધવાનું કારણ જ્યુડિશિયરીમાં ખાલી જગ્યાઓ ન ભરવી અને ઇંફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા ન થવા છે. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે આપણા દેશમાં ક્રિમિનલ ન્યાયની પ્રક્રિયા જ એક પ્રકારની સજા છે.

મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે કહ્યું હતું કે લોકશાહીને વધુ મજબુત બનાવવાના પ્રયાસો થવા જોઇએ. સાથે તેમણે આડેધડ થતી ધરપકડો અંગે પણ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે આડેધડ થતી ધરપકડો અને બાદમાં આરોપીઓને જામીન મળવામાં થતુ મોડુ અંગે પણ વાત કરી હતી. આ સાથે જ રાજકીય પક્ષોના એકબીજા પર થતા પ્રહારો અંગે વાત કરતા સીજેઆઇએ કહ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવતી ચર્ચા કરવાના બદલે હાલ રાજકીય ચર્ચા ઉગ્ર સ્વરુપ ધારણ કરીને વિરોધ દુશ્મનીમાં બદલાઇ રહ્યો છે. અભિપ્રાયો વ્યક્ત કરવાની વિવિધતા સમાજ અને રાજનીતિને સમૃદ્ધ બનાવે છે. પણ હાલના દિવસોમાં રાજકીય વિરોધ દુશ્મનીમાં ફેરવાઇ રહ્યો છે જે લોકશાહી માટે સારી બાબત નથી.

રાજસ્થાનમાં જયપુરમાં આયોજિત રાષ્ટ્રીય કાયદા સેવાના એક સમ્મેલનમાં હાજર મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશભરમાં જેલોમાં 6.10 લાખ કેદીઓ છે જેમાંથી 80 ટકા અન્ડર ટ્રાયલ છે. કેદીઓની ટ્રાયલ પૂર્ણ થવા પર કામ કરવાની જરુર છે. આપણા દેશમાં ગુનાહિત કેસોમાં ન્યાયની સિસ્ટમની પ્રક્રિયા જ એક પ્રકારની સજા છે. મે ઘણી વખત જજો અને જ્યુડિશિયરીના અન્ય ખાલી પદોને ભરવા માટે કહ્યું છે પણ તેની કોઇ જ અસર પ્રશાસન પર નથી થઇ રહી. મુખ્ય ન્યાયાધીશે આ નિવેદન આપ્યું ત્યારે તે કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરણ રિજિજૂ પણ હાજર હતા.

અગાઉ પણ કરી હતી ચર્ચાસ્પદ ટકોર

અગાઉ પણ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણ અગાઉ પણ રાજકીય પક્ષોને ટકોર કરી હતી અને કહ્યંુ હતું કે ન્યાયપાલિકા એક સ્વતંત્ર બોડી છે જેની જવાબદેહી માત્ર સંવિધાન પ્રત્યે છે. નહીં કે કોઇ રાજકીય પક્ષો પ્રત્યે. રાજકીય પક્ષોને એવુ લાગી રહ્યું છે કે ન્યાયપાલિકાએ તેના કામોનું સમર્થન કરવું જોઇએ. પણ કોર્ટો માત્ર બંધારણને બાધ્ય છે અને કોઇ રાજકીય પક્ષને નહીં.

Back to top button