CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે વેબ પોર્ટલ લૉન્ચ, આ રીતે કરો અરજી
નવી દિલ્હી, 12 માર્ચ: ગૃહ મંત્રાલયે નાગરિકતા સુધારા કાયદા એટલે કે CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. CAAના અમલીકરણ માટે સરકારે નિયમો જાહેર કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં CAA-2019 હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ આ પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે.
વેબસાઇટ પર જઈને ઑનલાઇન અરજી કરી શકો છો
ઑનલાઇન અરજી કરવા માટે તમે Indiancitizenshiponline.nic.in વેબસાઇટ પર જઈ શકો છો. ઉપરાંત, મળતી માહિતી અનુસાર એપ્લિકેશનની સુવિધા માટે, એક મોબાઇલ એપ્લિકેશન ‘CAA-2019’ પણ ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે.
ચાર વર્ષ પછી અમલમાં આવ્યો કાયદો
સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી. નિયમો 6 મહિનાની અંદર બનાવવા અને લાગુ કરવાના હતા, પરંતુ 4 વર્ષ અને 8 એક્સટેન્શન પછી સરકારે 11 માર્ચ 2024ના રોજ તેનું નોટિફિકેશન બહાર પાડ્યું. જો કે, સરકારે નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ ત્રણ દેશોના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે 2022થી નવ રાજ્યોના 31 જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને મંજૂરી આપી હતી.
જેમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના 2021-22ના અહેવાલ મુજબ, એપ્રિલ-ડિસેમ્બર 2021માં કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.
આ પણ વાંચો: CAA લાગુ થતાં સીમા હૈદર ખુશીના મારે ઉછળી પડી, મોદી-યોગીનો ફોટો લઈને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા