ગુજરાત
રાજકોટ : મોબાઈલમાં આવેલી લિંક ઓપન કરતા જ ફોન હેક થયો, ભેજાબાજે 3500 ઉપાડી લીધા
રાજકોટના પારડીમાં એક યુવકને અજાણ્યા શખ્સે ફોન કરી તેને ઈનામ લાગ્યાનું જણાવી એક લિંક મોકલી હતી જે ઓપન કરતા જ યુવકનો ફોન હેક થઈ ગયો હતો અને તેના બેંક એકાઉન્ટમાંથી રૂ.3500 ઉપાડી લેવાયા હતા.
ફોન પેના કર્મચારીની ઓળખ આપી યુવકને લક્કી કસ્ટમર ગણાવ્યો
મળતી માહિતી મુજબ, રાજકોટના પારડીમાં 100 વારીયા મકાનમાં રહેતા મૂળ કેશોદના જીગર મહેન્દ્રભાઇ બાવનજી સાથે ફોન પેના કર્મચારીની ઓળખ આપી તમે અમારા લક્કી કસ્ટમર છો. 23 હજારનું ઇનામ લાગ્યું છે તેમ કહી ભેજાબાજે રૂ.3500 ઉપાડી લીધા હતા. આ અંગે જીગરે પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સારવાર કરાવવા માટે શેઠ પાસેથી રૂ.4000 ઉછીના લીધા
આ ફરિયાદમાં જીગરે જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી મારા પરિવાર સાથે રહું છું અને શાપર ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જોની કીચનવેર કારખાનામાં મજૂરી કામ કરું છું. હું અપરિણીત છું અને હું અભણ છું. પરંતુ મને મારી સહી કરતા આવડે છે. મારો અકસ્માત થયો હોય મારે સારવાર કરાવવા માટે રાજકોટ એસ્ટ્રોન ચોક પાસે હોસ્પિટલમાં જવાનું અને મારે સારવાર માટે રૂપિયાની જરૂર હોય જેથી 10 માર્ચના રોજ મેં મારા શેઠ વિલાસભાઇને ફોન કરી મારા બેંક ઓફ બરોડા પારડી શાખાના ખાતામાં રૂ.4000 નાખવાનું કહ્યું હતું. આથી તેઓએ મારા બેંક ઓફ બરોડા શાખાના બેંક ખાતામાં રૂ.4000 જમા કરાવ્યા હતા.
ભેજબાજે વોટ્સએપમાં મોકલેલી લિંક ઓપન કરતા જ ફોન હેક થયો
દરમ્યાન બીજા દિવસે 11 માર્ચના રોજ હું મારા ઘરે હતો તે વખતે સવારના મારા મોબાઈલ નંબરમાં એક અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો અને તેમા કોઇ માણસ હિન્દીમાં વાત કરતો હતો. તેણે મને કહ્યું કે, હું ફોનપેમાંથી વાત કરું છું, તમે અમારી કંપનીની ફોન-પે એપ્લિકેશન વાપરો છો? તો મેં કહ્યું કે, હા હું ફોન-પે એપ્લિકેશન વાપરું છું તો તેણે મને કહ્યું કે, તમે અમારા લક્કી કસ્ટમર છો, તમને ફોન-પે તરફથી રૂ.23,000નું ઇનામ લાગ્યું છે. આથી મેં કહ્યું કે મારે ઇનામ નથી જોઇતુ અને તેનો ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર પછી તેનો ફરીથી ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે, તમારા ફોનમાં વોટ્સએપમાં એક લીંક મોકલી છે તે ડાઉનલોડ કરો જેથી મેં મારા વોટસએપમાં આવેલી લીંક ખોલતા તેમા ISL લાઇટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ હતી. થોડીવારમાં મારો ફોન હેક થઇ ગયો હતો અને બે કલાક સુધી મારા ફોનમાં માત્ર ફોન જ આવતા હતા તે સિવાય બીજું કાંઈ થતું નહોતું.
એટીએમમાં હોસ્પિટલને આપવા પૈસા ઉપાડવા ગયા ત્યારે થઈ જાણ
બાદ હું અને મારો ભાઇ અંકિત એમ બન્ને રાજકોટ દવાખાને ગયા હતા અને મેં મારા ભાઇ અંકિતને ATMમાંથી પૈસા ઉપાડવા માટે મોકલ્યો તો તેણે પરત આવી મને કહ્યું કે, તારા ખાતામાં રૂપિયા નથી તેવું કહ્યું હતું. આથી મેં મારા ફોનમાં જોતા મારા ફોનમાં મારા ખાતામાંથી રૂ.3500 ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા.
સાયબર ક્રાઈમમાં અરજી કરી, આરોપી ઝારખંડથી ઝડપાયો
આ અંગે મેં ગાંધીનગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફોન કરી મારી સાથે છેતરપિંડી થયાની જાણ કરી હતી. જે અરજી અહીં શાપર પોલીસ સ્ટેશનમાં તપાસમાં આવી હતી અને મારા રૂ.3500 મળી ગયા હતા. ખાતામાંથી રૂપિયા ઉપાડી લેનાર શખસ ઝારખંડ રાજ્યમાં પકડાયો હતો. તેનું નામ બામનીદાસ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી.