ભાજપે ચૈતર વસાવાને ટક્કર આપવા સોગઠું ગોઠવ્યું, BTPના મહેશ વસાવાએ કેસરિયા કર્યા
- પાલનપુરના કોંગ્રેસના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા
અમદાવાદ, 11 માર્ચ 2024, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ પુરબહારમાં ખીલ્યું છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. આદિવાસી નેતા અને BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે.
મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ
ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકીટ કાપી નાંખી હતી. પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. આ પહેલા શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી.
ભાજપે ચૈતર વસાવાને ટક્કર આપવા સોગઠું ગોઠવ્યું
મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહયાં છે અને મોટુ સંમલેન પણ કરશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃબનાસકાંઠામાં ગેનીબેનનો હૂંકારઃ અઢારે આલમ પાસે ‘મામેરા’ની સાચી હકદાર હું જ છું