PM મોદીના હસ્તક્ષેપથી પુતિને બદલ્યો નિર્ણય, યુક્રેન પર પરમાણુ હુમલો કરવાનો ટાળ્યો
નવી દિલ્હી, 11 માર્ચ: રશિયા-યુક્રેન યુદ્ધ બે વર્ષથી પણ વધુ સમયથી ચાલુ છે. અત્યાર સુધીના યુદ્ઘમાં યુક્રેનના ઘણા વિસ્તારો બરબાદ થઈ ગયા છે અને બંને પક્ષના સૈનિકો મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે. જો કે, દરમિયાન અમેરિકન મીડિયાએ આ યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. CNNના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, રશિયા તેના દુશ્મન દેશ યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. જો કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક અન્ય દેશોના નેતાઓની દરમિયાનગીરી બાદ રશિયાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.
રશિયા પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હતું: રિપોર્ટ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા વર્ષ 2022માં યુક્રેન પર પરમાણુ હુમલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુશ્કેલીઓ વધી ગઈ. આ પછી જો બાઇડને ભારત, ચીન અને કેટલાક અન્ય દેશોના નેતાઓનો સંપર્ક કર્યો. આ પછી પરમાણુ યુદ્ધના ગંભીર ખતરાને ટાળી શકાયો.. CNNએ બે અમેરિકન અધિકારીઓને ટાંકીને આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. પરમાણુ હુમલાની આશંકા વચ્ચે અમેરિકાએ રશિયાને આવા હુમલાઓથી બચાવવા ભારત સહિત બિન-સાથીઓની મદદ માંગી હતી.
યુદ્ધ અંગે ભારતનો શું અભિપ્રાય છે?
રશિયા-યુક્રેન સંઘર્ષના સંબંધમાં ભારતે હંમેશા નાગરિકોની હત્યાઓની નિંદા કરી છે અને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી છે. PM મોદીએ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન પ્રમુખ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. ભારતની અધ્યક્ષતામાં G20 કોમ્યુનિકમાં પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું.