PM મોદી આજે દ્વારકા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન, 1 લાખ કરોડના પ્રોજેક્ટ્સની આપશે ભેટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુગ્રામમાં 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
ગુરુગ્રામ, 11 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં રૂ. 1 લાખ કરોડના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.
નિવેદન અનુસાર, આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે 4,100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સેક્શન સુધી 9.6 કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.
લખનૌ રિંગ રોડના ત્રણ વિભાગોનું પણ ઉદ્ઘાટન
મળતી માહિતી મુજબ, પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં લગભગ 4,600 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત લખનૌ રિંગ રોડના ત્રણ વિભાગ અને આંધ્ર પ્રદેશમાં લગભગ 2,950 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત નેશનલ હાઈવે-16ના આનંદપુરમ-પેંદુર્થી-અનાકાપલ્લે સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન NH પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
નિવેદન અનુસાર, તેઓ હિમાચલ પ્રદેશમાં NH-21ના કિરાતપુરથી નેરચોક સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે, જેની કિંમત 3,400 કરોડ રૂપિયા છે. તેઓ કર્ણાટકમાં 2,750 કરોડ રૂપિયાના ડોબાસપેટ-હેસ્કોટ સેક્શનનું અને દેશભરના વિવિધ રાજ્યોમાં 20,500 કરોડ રૂપિયાના 42 અન્ય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી દેશભરમાં વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
આ પણ જુઓ: હિમાચલ પ્રદેશમાં રાજકીય કટોકટી નિવારવા કોંગ્રેસે બનાવી 6 સભ્યોની સમિતિ