નવી દિલ્હી, 10 માર્ચ : ED એ 2000 હજાર કરોડ રૂપિયાના ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. આ કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પહેલાથી જ આ તપાસમાં સામેલ છે. એનસીબીએ જ આ સિન્ડિકેટના નેતા ફિલ્મ પ્રોડ્યુસર ઝફર સાદિકની ધરપકડ કરી હતી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને સાત લાખ રૂપિયા આપ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઝફર સાદીકે જણાવ્યું હતું કે સાત લાખમાંથી તેમણે પાંચ લાખ પૂર રાહત ફંડમાં આપ્યા હતા જ્યારે બે લાખ પાર્ટી ફંડમાં આપ્યા હતા. આ માહિતી સામે આવ્યા બાદ NCBએ મની લોન્ડરિંગની તપાસ માટે EDને પત્ર લખ્યો હતો. NCB આ કેસની તપાસના સંબંધમાં ઉધયનિધિ સ્ટાલિનની પણ પૂછપરછ કરી શકે છે. 36 વર્ષીય ઝફર સાદિકની શનિવારે 3500 કિલો સ્યુડોફેડ્રિનની દાણચોરીના કેસમાં દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. NCB ચાર મહિનાથી શોધી રહી હતી.
તમિલનાડુના કાયદા પ્રધાન અને ડીએમકેના નેતા એસ રેગુપતિએ રવિવારે કહ્યું કે તેમની પાર્ટીનો ડ્રગ માફિયા ઝફર સાદિક સાથે કોઈ સંબંધ નથી. ભાજપનો આરોપ છે કે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ડીએમકે નેતાઓ સાથે જોવામાં આવી રહ્યો હતો. પાર્ટીના ઘણા મોટા નેતાઓ સાથે તેમના નજીકના સંબંધો છે. તમિલનાડુ બીજેપીના વડા કે અન્નામલાઈએ કહ્યું કે EDએ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અને ઝફર સાદિકના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવો જોઈએ. જેથી તમિલનાડુમાં ડ્રગ્સના છૂટા દૌરને રોકી શકાય.
શનિવારે એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે ઝફર સાદિકના તમિલ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊંડા સંબંધો છે. ઘણા હાઈપ્રોફાઈલ લોકો સાથેના સંબંધો ઉપરાંત પોલિટિકલ ફંડિંગના કેટલાક કેસ પણ એજન્સીની તપાસ હેઠળ છે. આ મામલે સંબંધિત લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવશે. ઝફરનો કાળો કારોબાર ભારત, ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ સુધી ફેલાયેલો છે. ગયા મહિને તેની સિન્ડિકેટના ત્રણ લોકોની ધરપકડ બાદ તેનું નામ બહાર આવ્યું હતું.