અમદાવાદ, 10 માર્ચઃ 20 દિવસ પહેલા મણીનગરમાં લૂંટને અંજામ આપનારા ત્રણ ઈસમોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, જેમાં શહેરના મણીનગર વિસ્તારના ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલા જય ભવાની જ્વેલર્સમાંથી 11.63 લાખ જેટલી રકમના સોનાના દાગીના લૂંટીને ફરાર થયા હતા. જે પૈકી ત્રણ આરોપીઓને વાસણા પાસેથી 11.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓના નામ બલવીરસિંગ રાજપૂત, સુમેરસિંગ રાવત, કુંદન રાવત હોવાનું જાણવા મળ્યું છે. અને વધુ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાને અંજામ આપવા અગાઉ કરી હતી તૈયારી
તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઉડનકટે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાનો મુખ્ય આરોપી ગિરધારીસિંગ તેની પત્ની પૂજાદેવી સાથે જામફળવાડી ખાતે ભાડે મકાન રાખીને રહે છે. ઘટનાને અંજામ આપવા માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહ્યો હતો. જે માટે રાજસ્થાનમાં કડિયા, મજૂરી કામ કરતા લોકોનો સંપર્ક કર્યો હતો. તેમજ તેઓનાં રહેવા માટે પોતાના રહેઠાણ નજીક જામફળવાડી નજીક રૂમ પણ ભાડે રાખ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટારા બેફામ બન્યાઃ જ્વેલર્સને બંદૂક બતાવી 11.63 લાખના દાગીના લૂંટ્યા
ચોરીને અંજામ આપવા માટે 2 વ્હીકલ કર્યા ચોરી
પીઆઇ ઉડનકટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવામાં મુખ્ય આરોપી ગિરધારી સિંઘ અને તેની પત્ની પૂજાદેવી સહિત કુલ 8 આઠ ઈસમો નામ સામે આવ્યાં છે. જેમાં આરોપીઓએ અગાઉ ઓપરેશન પાર પાડવા માટે મણીનગરના ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલા જય ભવાની જ્વેલર્સ આસપાસ રેકી પણ કરી હતી. તેમજ ચોરી કરવા માટે અગાઉ નિકોલ અને અમરાઈવાડી વિસ્તારમાંથી એકટીવા અને TVS કંપનીનું એક બાઈક પણ ચોરી કર્યું હતું. જોકે પોલીસે બે બાઈક સહિત તમામ મુદ્દા માલની રકમ સાથે ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. જેમાંથી મુખ્ય સૂત્રધાર ગિરધારીસિંહ, પૂજા દેવી, રાકેશસિંગ, ભુપેન્દ્ર રાવત, અને અર્જુન રાવતને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રિવોલ્વર અને છરા સાથે ઈસમો દુકાનમાં ઘૂસ્યા
જય ભવાની જ્વેલર્સનાં માલિક અમૃતભાઇ માળીએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે 21 ફેબ્રુઆરીની સાંજના 9 વાગ્યાની આસપાસ હું એકલો દુકાને હાજર હતો તેવામાં અમુક અજાણ્યા ઈસમો મારી દુકાનમાં રિવોલ્વર અને છરો લઈને ઘૂસી આવ્યા હતા. અને કાઉન્ટર ઉપર રિવોલ્વર મૂકીને ‘ઇસકો ઠોક દે’ એવા શબ્દોનું ઉચ્ચારણ કરતા હું ગભરાઈ ગયો હતો. અને ત્યારબાદ કાઉન્ટર પર પડેલા 11 લાખથી વધુના સોનાના દાગીના માત્ર 1 મિનિટની અંદર લૂંટીને ફરાર થઈ ચૂક્યા હતા. જોકે હાલ પોલીસે આરોપીઓ પાસેથી તમામ રકમ અને મુદ્દામાલ રિકવર કરી લીધું છે.
આખા અઠવાડિયા દરમિયાન બનેલા મહત્ત્વના સમાચારનો HDNews નો ટૉપ-10 વીડિયો જૂઓ અહીં…
View this post on Instagram