ગુજરાતચૂંટણી 2022હેલ્થ

જૂનાગઢ જિલ્લામાં પોસ્ટ ડિઝાસ્ટર સર્વે સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેકટરની તાકીદ

Text To Speech
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પોસ્ટ ડિઝાસ્ટરની સર્વે સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેકટર રચિત રાજે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. કલેક્ટરે જૂનાગઢમાં પૂરનો ખતરો ટળી ગયો હોઈ રસ્તાઓના પેચ વર્ક, સફાઈ, દવા છંટકાવ કરવા, દવાઓનું સરકારી દવાખાનામાં પૂરતું વિતરણ કરવાની, રોગચાળાને કાબુમાં લેવા તેમજ સાયકલોન સેન્ટરને સક્રિય રહેવાની સુચના આપી હતી. આ ઉપરાંત ભયજનક મકાન, ઝાડ કે હોર્ડિંગ પણ ઉતારી નાખવાની સૂચના પણ આપી હતી. પૂરમાં આપતી વ્યવસ્થાની ઉત્તમ કામગીરી કરવા અધિકારીઓને કલેક્ટરે અભિનંદન પણ પાઠવ્યા હતા.
વરસાદ બાદ જિલ્લામાં જનઆરોગ્યની કાળજી માટે મેડિકલ કેમ્પ શરૂ
જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ બાદ રોગચાળાના નિયત્રંણ માટે વ્યાપક પગલાંમાં આવી રહ્યા છે. કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા આજે જનઆરોગ્ય કાળજી લેવા માટે જિલ્લામાં અનેક જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના શીલ ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વંથળી તાલુકાના વાડલ અને ટીનમશ ગામે ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વધાવી, મહોબતપુર સહિતના ગામોમાં પણ તબીબો, પેરામેડીકલ સ્ટાફ દ્રારા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યાં હતા. આ ઉપરાંત વાડા સીમડી ગામે પોરા ભક્ષક માછલી પાણીમાં મૂકી આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી હતી. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેતાએ જણાવ્યું હતુ.
જૂનાગઢ શહેરમાં સફાઈ બાદ દૈનિક ૨૦૦૦ કિલો દવા છંટકાવની કામગીરી
રાજ્ય સરકાર દ્વારા શહેરો-ગાંમડાઓમાં વરસાદની સ્થિતિ બાદ રોગચાળો વકરે નહી તે માટે અગમચેતીના પ્રશાસનને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી ઝૂંબેશ રૂપે શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં દરેક વોર્ડમાં ઝૂંબેશના ભાગરૂપે કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીમવર્કથી કામગીરી થઈ રહી છે. હેલ્થ શાખાના અહેવાલ મુજબ શહેરમાં ૭૨૦ સફાઈ કામદારો સેવા આપી રહ્યા છે. વોર્ડ પ્રભાર-૧૫ અને એટલી જ સંખ્યામાં સેનેટરી અને સબસેનેટરી ઈન્સપેક્ટર ડોર-ટુ- ડોર ૬૦ વાહનો દ્વારા થતી કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. મૃત્તક પશુઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સફાઈ અને અન્ય મરામત્તની કામગીરીમાં ૪ ટ્રેક્ટર, ૪ જેસીબી મશીન, ૬ ડમ્પર કામે લગાડાયા છે. જૂનાગઢ શહેરમાં દૈનિક ૨૦૦૦ કિલો ચૂનો –મેલેથીન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
Back to top button