ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવા 117 દેશોની સુંદરીઓને હરાવીને બની મિસ વર્લ્ડ
- મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી સિની શેટ્ટી ટોપ-4માંથી થઈ ગઈ બહાર
મુંબઈ, 10 માર્ચ: ભારતના મુંબઈમાં 28 વર્ષ બાદ મિસ વર્લ્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીતીને પોતાના નામે કર્યો છે. આ સાથે લેબનોનની યાસ્મીન જેતુન પ્રથમ રનર અપ રહી હતી. મિસ વર્લ્ડ 2024નો ગ્રાન્ડ ફિનાલે 9 માર્ચ 2024ના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો.
71મી મિસ વર્લ્ડ 2024 સ્પર્ધાના ટોપ 4 રાઉન્ડમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ફેમિના મિસ ઈન્ડિયા સિની શેટ્ટી સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2022 વિજેતા સિની શેટ્ટીએ મિસ વર્લ્ડ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટોચના 4માં સ્થાન મેળવનાર ચાર ફાઇનલિસ્ટ મિસ ત્રિનિદાદ અને ટોબેગો, મિસ બોત્સ્વાના, મિસ ચેક રિપબ્લિક અને મિસ લેબનોન હતા.
મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિઝ્કોવા કોણ છે?
ક્રિસ્ટીના લો એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે. આ સાથે તે મોડલિંગ પણ કરે છે. તેણીનું પોતાનું ફાઉન્ડેશન છે, જેનું નામ ક્રિસ્ટીના પિઝ્કો ફાઉન્ડેશન છે. તાંઝાનિયામાં, ક્રિસ્ટિનાએ વંચિત બાળકો માટે અંગ્રેજી શાળા શરૂ કરી છે, જેના માટે તેણીને પોતાને ગર્વ છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ક્રિસ્ટીના અહીં સ્વયંસેવક છે. ક્રિસ્ટીનાને મિસ વર્લ્ડ 2024નો તાજ કેરોલિના બિલેવસ્કા દ્વારા આપવામાં આવ્યો હતો, જે 70મી મિસ વર્લ્ડ હતી. ક્રિસ્ટીના માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. તેણી ખૂબ જ ખુશ છે. કરણ જોહરે આ વખતે મિસ વર્લ્ડ 2024 હોસ્ટ કરી હતી. તેમણે જ ટોચના 8 સહભાગીઓને પ્રશ્નો પૂછ્યા હતા.
ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી સિની શેટ્ટી કોણ છે?
જો આપણે સિની શેટ્ટીની વાત કરીએ તો તેણીએ વર્ષ 2022માં ફેમિના મિસ ઈન્ડિયા 2022નો તાજ જીત્યો હતો. તે સિની અને સમગ્ર દેશ માટે ગર્વની વાત હતી. સિની શેટ્ટી કર્ણાટકની છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તેણે મુંબઈમાં જ અભ્યાસ કર્યો હતો. તેણીએ ફાયનાન્સ અને એકાઉન્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સિની શેટ્ટી CFA (ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ) પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેણી મિસ વર્લ્ડ 2024 માટે પણ તૈયારી કરી રહી હતી. સિની શેટ્ટી 4 વર્ષની હતી ત્યારથી જ ભરતનાટ્યમ શીખી રહી છે. એટલું જ નહીં, તેણે ખૂબ જ નાની ઉંમરમાં કમાણી શરૂ કરી દીધી હતી. સિની શેટ્ટી વ્યવસાયે એક્ટર, મોડલ, પ્રોડક્ટ એક્ઝિક્યુટિવ અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ઉલ્લેખનીય છે કે, મિસ વર્લ્ડ 2024માં ભાગ લેવા માટે બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરાઓ આવ્યા હતા. જેમાં રૂબીના દિલાઈક, દિવ્યાંકા ત્રિપાઠી, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, જન્નત ઝુબેર તેના ભાઈ સાથે હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો સામે આવી છે. આ સિવાય કૃતિ સેનન ઓફ શોલ્ડર ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. પૂજા હેગડે ચમકદાર રેડ ગાઉનમાં જોવા મળી હતી.
અત્યારસુધીમાં ભારતની 6 મહિલાઓ બની ચૂકી છે મિસ વર્લ્ડ
અત્યાર સુધી ભારતે 6 વખત મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. રીટા ફારિયાએ વર્ષ 1966માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. આ પછી ઐશ્વર્યા રાય વર્ષ 1994માં મિસ વર્લ્ડ બની હતી. ત્યારબાદ 1997માં ડાયના હેડન, 1999માં યુક્તા મુખી, વર્ષ 2000માં પ્રિયંકા ચોપરા અને વર્ષ 2017માં 17 વર્ષ બાદ માનુષી છિલ્લર મિસ વર્લ્ડનો તાજ ભારતમાં લાવી હતી.
આ પણ જુઓ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે જોઈ યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370, કહ્યું- હું આ ફિલ્મના નિર્માતા…