રાજકોટના અમુક સસ્તા અનાજના વેપારીઓને ત્યાંથી દર મહિને ગરીબ કાર્ડધારકોને પૈસા આપવા છતાં સડી ગયેલું અથવા બટાઇ ગયેલું અનાજ ધાબડી દેવામાં આવે છે. તાજેતરમાં શહેરના અંકુર વિદ્યાલય ખાતેની એમ.બી. અમૃતિયાની સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ કાર્ડધારક વેજાભાઇ જેઠાભાઇ બારૈયાને સડી ગયેલા, બટાઇ ગયેલા અને મુંગા પશુ પણ આરોગી ન શકે તેવા ઘઉં આપી દેતાં કાર્ડધારક કલેકટર કચેરીમાં પુરવઠા અધિકારી સમક્ષ રજૂઆત કરવા દોડી આવ્યો હતો.
રજૂઆત કરતી વખતે ગરીબ રડી પડ્યા, અધિકારીએ પણ ન્યાય અપાવ્યો
હાથમાં સડી ગયેલા ઘઉંનો થેલો લઇ પુરવઠા અધિકારીની ચેમ્બરમાં વેજાભાઇ રજૂઆત કરતી વખતે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. દરમિયાન પુરવઠા અધિકારી અવની હરણે કાર્ડધારકની વિગત સાંભળી તેને હૈયાધારણા આપી તાકીદે સસ્તા અનાજના વેપારીને ફોન કરી ઘઉં બદલી આપવા સૂચના આપી અરજદારને ન્યાય અપાવ્યો હતો.
દુકાનમાં સારા ઘઉંનો જથ્થો હોવા છતાં ન આપવામાં આવ્યો
દરમિયાન કાર્ડધારક વેજાભાઇએ જણાવ્યું હતુ કે, આખો મહિનો મારે આવા સડી ગયેલા ઘઉંનો લોટ કેવી રીતે ચલાવવો, પોતે કારખાનામાં કામ કરતા હોઇ માંડ-માંડ સસ્તા અનાજની દુકાને ઘઉં લેવા ગયા તેમાં પણ વેપારી અમૃતિયાએ સડી ગયેલા અને બટાઇ ગયેલા ધાબડી દીધા તેમ કહી રડવા લાગ્યા હતા. દુકાનમાં સારા ઘઉંનો જથ્થો હોવા છતાં ન આપ્યો અને દુકાનમાં પ્રતાપ નામનો અન્ય એક શખસ તાડુકી બોલવા લાગ્યો હતો કે ‘તારે જ્યાં જવું હોય ત્યાં જા… ભલે દુકાનનું સીલ લાગે… તને ઘઉં બદલી નહીં અપાય અમારે ઉપરથી આવા ઘઉં આવ્યા છે.
સડેલા ઘઉં કે અનાજ આવે તો દુકાનદારે સારો માલ મેળવી લેવો : ડીએસઓ
પુરવઠા અધિકારી અવની હરણે પત્રકારોને ઉપરોકત સડેલા ઘઉં બાબતે પ્રકાશ પાડતા જણાવેલ કે, સામાન્ય રીતે નિગમના ગોડાઉનમાંથી અનાજ સડી ગયેલું આવે તો તેને બદલાવવાની ફરજ વેપારીને છે અને તમામ સસ્તા અનાજના પરવાનેદારોને સૂચના આપવામાં આવી છે કે, સડેલા ઘઉં કે તુવેરની દાળ, ચોખા નિગમમાંથી આવે ત્યારે તેને બદલાવી સારો જથ્થો બદલામાં મેળવી લેવો, આમ છતાં સસ્તા અનાજના વેપારીઓ નિગમમાંથી અખાવેલા સડેલા ઘઉં કાર્ડધારકોને ધાબડી દેતાં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.
અગાઉ પણ અમૃતિયાની દુકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ‘સીઝ’ કરાયો હતો
અગાઉ સસ્તા અનાજના વેપારી અમૃતિયાની દુકાનમાંથી પુરવઠા તંત્રએ તપાસ કરી ત્યારે જથ્થામાં વધઘટ આવી હોવાથી જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને સૂચના પણ આપવામાં આવી હતી કે હવે આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય. આમ છતા અંકુર વિદ્યાલય ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી અમૃતિયા તેમજ તેની દુકાનમાં કાયમ અડિંગો જમાવીને બેસતા અમુક શખસો ગરીબ કાર્ડધારકોને પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. દુકાનમાં સારા ઘઉં હોવા છતાં એન.એફ.એસ.એ. હેઠળ મળવાપાત્ર રાહતદારના ઘઉં સડેલા ધાબડી દીધા હતા. દરમિયાન પુરવઠા અધિકારી અવની હરણે દુકાનદારને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.