ભાવનગરમાં CMના કાર્યક્રમમાં કોર્પોરેટરોને અટકાવતા મેયર અને પોલીસ વચ્ચે બોલાચાલી
ભાવનગર, 9 માર્ચ 2024,આજે મુખ્યમંત્રીએ 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમનું ભાવનગરમાં આગમન થાય તે પહેલાં જ કાર્યક્રમ સ્થળે મેયર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાવનગરના ચૂંટાયેલા કોર્પોરેટરને મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે પ્રવેશ નહીં આપવા દેવાતા મહિલા પોલીસ કર્મી સાથે થોડીવાર માટે બોલાચાલી થઈ હતી. ખુદ મેયર કોર્પોરેટરને એન્ટ્રી કરાવી રહ્યા હતાં. ત્યારે તેમને મહિલા પોલીસ કર્મીએ કહ્યું હતું કે, ચેકિંગ તો કરવા દો ત્યાર બાદ મેયરે કહ્યું હતું કે ‘આ વાત સીએમને કહેવી પડશે. બાદમાં મેયર હોવાની જાણ થતાં જ મહિલા પોલીસકર્મી ઢીલા પડ્યાં હતાં.
સીએમ સિક્યોરિટી અને ભાજપના પ્રમુખ વચ્ચે ચકમક
મુખ્યમંત્રી 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ભાવનગરમાં પધાર્યા હતાં. તેમનું આગમન થાય એ પહેલાં ભાવનગરના ચૂંટાયેલા કોર્પોરેટરોને શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલા યશવંતરાય નાટ્ય ગ્રુપમાં અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. જોકે, પ્રોટોકોલ પ્રમાણે તમામની ચેંકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવતો હોય છે, જેમાં કેટલાક ચેકિંગ કર્યા વગર જ અંદર જતા સીએમના સિક્યોરિટી અને ભાજપના પ્રમુખ વચ્ચે ચકમક થઈ હતી. વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ તમામને પ્રવેશવા દેવામાં આવ્યા હતા.
પોલીસકર્મી તમામનું ચેકિંગ કરી પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં
પોલીસકર્મીઓ જ્યારે લોકોની એન્ટ્રી કરાવી રહ્યા હતા ત્યારે પ્રોટોકોલ મુજબ તમામને ચેક કરતા હતા. એ વખતે ચિત્રા ફુલસર વોર્ડનાં કોર્પોરેટર હીરાબેન કુકડિયાને મહિલા પોલીસ ચેક કરતાં હતાં, જોકે એ વખતે મેયર ભરત બારડ ત્યાં આવી પહોંચ્યા હતા અને જવા દેવાનું કહેતાં જ મહિલા પોલીસકર્મી મેયરને કહેવા લાગ્યા કે, ચેક તો કરવા દો, શું નઈ ચેક કરાવાનું? તો બીજી તરફ મેયરે કહ્યું, આ વાત સીએમને કહેવી પડશે. આ વચ્ચે મહિલા પોલીસને મેયર ભરત બારડ હોવાની જાણ થતાં જ તેઓ થોડાં ઢીલાં પડ્યાં હતાં. મહિલા પોલીસકર્મી તમામનું ચેકિંગ કરી પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં, પરંતુ મેયર સાથે કરેલું તેમનું વર્તન અયોગ્ય હોવાની ચર્ચા પંથકમાં પ્રસરી હતી.
આ પણ વાંચોઃરાજ્યના મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે વધુ રૂ.સવા કરોડની ગ્રાન્ટ ફાળવાશે