રૂપર્ટ મર્ડોક ફરી એકવાર લગ્ન કરવા તૈયાર, 25 વર્ષ નાની મહિલા સાથે કરી સગાઈ
- મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક દ્વારા 11 માર્ચે તેમનો 93મો જન્મદિવસ ઉજવવામાં આવશે
HD ન્યૂઝ ડેસ્ક, 9 માર્ચ: પ્રખ્યાત અબજોપતિ અને મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોક(Media tycoon Rupert Murdoch) ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાશે. ઉલ્લેખનીય છે કે, આ તેમના 5મા લગ્ન હશે. તેણે પોતે મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે, તેણે પોતાના કરતાં 25 વર્ષ નાની એલેના ઝુકોવા(Elena Zhukova) સાથે સગાઈ કરી લીધી છે અને જુલાઈમાં લગ્ન પણ કરશે. રૂપર્ટ મર્ડોકની આ છઠ્ઠી સગાઈ અને પાંચમા લગ્ન છે. તેણે અગાઉ રેડિયો હોસ્ટ એન લેસ્લી સ્મિથ સાથે સગાઈ કરી હતી જે એક મહિના કરતાં પણ ઓછા સમય સુધી ચાલી હતી. ત્યારબાદ ગયા એપ્રિલથી તે એલેના ઝુકોવાને ડેટ કરી રહ્યા હતા. મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક 11 માર્ચે તેમનો 93મો જન્મદિવસ ઉજવશે અને તે પહેલા જ તેમની લવ લાઈફ સાથે જોડાયેલી આ એક મોટી અપડેટ સામે આવી છે.
એલેના ઝુકોવા કોણ છે?
એલેના ઝુકોવા એક મોલેક્યુલર બાયોલોજીસ્ટ છે જે ડાયાબિટીસ સંબંધિત સંશોધનમાં નિષ્ણાત છે. તેણી 67 વર્ષની છે અને મૂળ મોસ્કોની છે. અહેવાલ છે કે, એલેના અને મર્ડોક બંને એક પારિવારિક પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં તેઓ એકબીજાને પસંદ કરતા હતા અને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એલેના ઝુકોવાના આ બીજા લગ્ન છે અને તેના પહેલા લગ્નથી તેને એક પુત્રી છે જે 42 વર્ષની છે અને તેનું નામ દશાદ ઝુકોવા છે.
મર્ડોક આ પહેલા 4 વખત લગ્ન કરી ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે, એલેના ઝુકોવા પહેલા મર્ડોકે વધુ 4 વાર લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની પેટ્રિશિયા બુકર હતી, જેની સાથે તેમનો 11 વર્ષનો સંબંધ હતો. ત્યારબાદ વર્ષ 1967માં તેણે અન્ના માનનો હાથ પકડ્યો અને 32 વર્ષ બાદ 1999માં બંને અલગ થઈ ગયા. ત્રીજી વખત, મર્ડોકે વેન્ડી ડેંગનો હાથ પકડ્યો અને 14 વર્ષ સુધી સાથે રહ્યા પછી બંને અલગ થઈ ગયા. ચોથી વખત, મર્ડોકે 2016માં જેરી હોલ સાથે લગ્ન કર્યા અને 2022માં 6 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. આ તમામ લગ્નોમાંથી મર્ડોકને 6 બાળકો છે. મર્ડોક 11 માર્ચે પોતાનો 93મો જન્મદિવસ ઉજવશે અને જૂનમાં લગ્ન કરશે.
આ પણ જુઓ: રાધિકા મર્ચન્ટે આ રીતે પ્રેગ્નન્ટ દીપિકાને અભિનંદન આપ્યા, વીડિયો વાયરલ