ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં કેવી રીતે થઈ હત્યા? વીડિયો વાયરલ

  • વીડિયોમાં હરદીપસિંહ નિજ્જર પર હથિયારબંધ લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવે છે

ઓટાવા, 8 માર્ચ: ભારતનો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સાથે જોડાયેલી મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યાનો કથિત વીડિયો બહાર આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નિજ્જર પર હથિયારબંધ લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવે છે. કેનેડાના સીબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, તેને ‘કોન્ટ્રેક્ટ કિલિંગ’ તરીકે વર્ણવવામાં આવી છે.

 

હત્યાને ‘કોન્ટ્રેક્ટ કિલિંગ’ ગણાવવામાં આવી

કેનેડાની CBC ન્યૂઝનું કહેવું છે કે, તેણે ધ ફિફ્થ એસ્ટેટમાંથી વીડિયો મેળવ્યો છે અને સ્વતંત્ર રીતે તેને બહુવિધ સ્ત્રોતોથી ચકાસ્યો છે. આ હુમલાને કોઓર્ડીનેટેડ હુમલા તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેમાં 6 માણસો અને 2 વાહનો સામેલ હતા. વીડિયોમાં નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી બહાર નીકળતો દેખાઈ રહ્યો છે. જ્યારે તે બહાર નીકળવા જઈ રહ્યો હોય છે, ત્યારે એક સફેદ સેડાન કાર તેની સામે આવે છે, જેના કારણે તેની ટ્રક અટકી જાય છે. સીબીસી ન્યૂઝના અહેવાલો અનુસાર, સિલ્વર ટોયોટા કેમરી કાર તરફ ભાગતા પહેલા બે માણસો દોડીને નિજ્જર પર ગોળીબાર કરે છે.

બે સાક્ષીઓ, જેઓ ઘટના સમયે નજીકના મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા હતા, તેઓએ ખુલાસો કર્યો કે, તેઓ તે સ્થળ તરફ દોડ્યા જ્યાંથી ગોળીબાર સંભળાયો અને હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ પણ કર્યો. એક પ્રત્યક્ષદર્શી ભૂપિન્દરજીતસિંહ સિદ્ધુએ જણાવ્યું કે, “અમે તે બે લોકોને ભાગતા જોયા, અમે એ તરફ દોડવા લાગ્યા જ્યાંથી અવાજ આવી રહ્યો હતો.” આ દરમિયાન સિદ્ધુએ તેના મિત્ર મલકિતસિંહને કહ્યું કે તે પગે ચાલીને જતાં આ બંને વ્યક્તિઓનો પીછો કરે જ્યારે તેણે નિજ્જરની મદદ કરવાનો પ્રયાસ કર્યો.

આ હત્યાને ક્યારે અંજામ આપવામાં આવ્યો?

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વર્ષ 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. 18 જૂન, 2023ની સાંજે બ્રિટિશ કોલમ્બિયાના સરેમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતા સમયે ગોળી મારીને નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ધરતી પર નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આ આરોપોને “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેનેડા આ હત્યા પર પોતાનો દાવો સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યું નથી.

આ પણ જુઓ: રેતી ખનન કેસમાં લાલુ યાદવના નજીકના સુભાષ યાદવના ઘરે EDની કાર્યવાહી

Back to top button