અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

હર્ષ સંઘવીનો કટાક્ષ, યુવા સંસદમા કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી

ગાંધીનગર, 8 માર્ચ 2024, આવતી કાલે મહાત્મા મંદીર ખાતે “યુવા સાંસદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં આ “યુવા સાંસદ” નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજનાર છે. આ પહેલા હર્ષ સંઘવીએ પત્રકારો સમક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુવા સંસદમા વિપક્ષ નેતા તરીકે અમને કોઈ રાહુલ ગાંધી મળ્યા નથી.કોઇ યુવાન રાહુલ ગાંધી બનવા માટે તૈયાર નથી.

વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે માહિતગાર થશે
આ સંસદનું આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે, આજનો યુવા દેશની આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે યુવા પેઢીમાં સ્વ-શિસ્તની ભાવના, વિવિધ અભિપ્રાયો પ્રત્યેની સહિષ્ણુતા, વિચારોની પ્રામાણિક અભિવ્યક્તિ અને લોકતાંત્રિક જીવનશૈલીના અન્ય ગુણો કેળવાય તેવો આશય આ કાર્યક્રમનાં આયોજન થકી ચરિતાર્થ થશે. આ ઉપરાંત આ કાર્યક્રમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ, ચર્ચા અને વાદ-વિવાદની તકનીકોથી પણ માહિતગાર થશે. સાથે સાથે તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વની ગુણવત્તા અને અસરકારક વક્તૃત્વની કળા અને કૌશલ્યનો પણ વિકાસ થશે.

યુવા સંસદમાં 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે
યુવા સંસદનું આયોજન લોકશાહીના મૂળને મજબૂત કરવાનો, શિસ્તની તંદુરસ્ત ટેવો કેળવવાનો અને યુવાનોને સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે સક્ષમ બનાવશે. જેના થકી યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા સક્ષમ બનશે.રાજ્યસરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યની 83 કરતા વધુ યુનિવર્સિટીનાં નોડલ અધિકારી વિદ્યાર્થીઓને લઈને ગાંધીનગર ખાતે આવશે. જેમાં સાંસદ તરીકે 550 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આવતીકાલે મહાત્મા મંદિર ખાતે કન્વેન્શનલ હોલમાં સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી શરુ કરવામાં આવશે.

એક દિવસમાં કુલ ચાર સેશનમાં કરવામાં આવશે
સૌ પ્રથમ સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ 35 જેટલા વિદ્યાર્થિઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે. સમગ્ર કાર્યવાહી એક દિવસમાં કુલ ચાર સેશનમાં કરવામાં આવશે. ઉપરાતં શૂન્ય કાળ, તારાંકીત અને અતારાંકીત પ્રશ્નો સહિત વિવિધ મહત્વના વિષય પર ચર્ચા કરવામાં આવશે. કામગીરી દરમ્યાન પાંચ મહત્વના બીલ પર ચર્ચા થશે અને ચર્ચાને અંતે વોટીંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃસાયકલિંગ, પર્યાવરણ અને યોગ- ઉંમરનો કોઈ પડાવ નડ્યો નથી સંજીતા સિંઘ નેગીને

Back to top button