ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાન ‘જય ભોલેનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું, 62 ભારતીય હિન્દુઓ લાહોર પહોંચ્યા

લાહોર (પાકિસ્તાન), 07 માર્ચ: પાડોશી મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં પણ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથની ઉજવણી કરવામાં આવશે. ભક્તો ‘જય ભોલેનાથ’ના નારા સાથે પાકિસ્તાનમાં ઉજવાતી મહાશિવરાત્રીની ઉજવણી માટે હિન્દુઓનો મોટો સમૂહ ભારતથી લાહોર પહોંચ્યા છે. મહાશિવરાત્રી ઉજવવા માટે 62 હિન્દુઓ બુધવારે વાઘા બોર્ડર દ્વારા ભારતથી લાહોર પહોંચ્યા હતા. આ અંગે ઇવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ના પ્રવક્તા આમિર હાશ્મીએ જણાવ્યું હતું

પ્રવક્તા આમિર હાશ્મીએ વધુમાં જણાવ્યું હતું કે ETPB દ્વારા આયોજિત મહાશિવરાત્રીનો મુખ્ય સમારોહ 9 માર્ચે લાહોરથી લગભગ 300 કિલોમીટર દૂર ચકવાલના ઐતિહાસિક કટાસ રાજ મંદિરમાં યોજાશે. જેમાં વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાઓ પણ હાજરી આપશે. તેમણે કહ્યું કે વાઘામાં યાત્રાધામોના અધિક સચિવ રાણા શાહિદ સલીમે વિશ્વનાથ બજાજના નેતૃત્વમાં આવેલા હિન્દુઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું. લાહોરમાં ગુરુદ્વારા ડેરા સાહિબમાં રાત વિતાવ્યા બાદ હિન્દુ તીર્થયાત્રી તહેવારમાં સામેલ થવા માટે ગુરુવારે કટાસ રાજ મંદિર માટે રવાના થશે.ETPB તેમના માટે સુરક્ષા, રહેઠાણ અને પરિવહનની વ્યવસ્થા કરી છે.

ભારતીયો પાકિસ્તાનમાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે

મહાશિવરાત્રીની ઉજવણીમાં હાજરી આપ્યા પછી તીર્થયાત્રીઓ 10 માર્ચે લાહોર પરત ફરશે અને 11 માર્ચે તેઓ લાહોરના કૃષ્ણ મંદિર, લાહોરનો કિલ્લો અને અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. આ પછી તમામ તીર્થયાત્રીઓ 12 માર્ચે તેમના દેશ પરત ફરશે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવે દેવી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. તેમના દિવ્ય મિલનના ઉત્સવમાં આ દિવસને ‘ભગવાન શિવની રાત્રિ’ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતીય યાત્રાળુઓ દર વર્ષે પાકિસ્તાન જાય છે

પાકિસ્તાન અને ભારત વચ્ચે ધાર્મિક સ્થળોની યાત્રા માટે દ્વિપક્ષીય કરાર છે, જે અંતર્ગત ભારતમાંથી શીખ અને હિન્દુ તીર્થયાત્રીઓ દર વર્ષે પાકિસ્તાનની મુલાકાત લે છે. બીજી તરફ આ કરાર હેઠળ દર વર્ષે પાકિસ્તાનથી પણ તીર્થયાત્રીઓ ભારત આવે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શીખ સમુદાયના લોકો સુવર્ણ મંદિરની મુલાકાત લે છે. પાકિસ્તાનથી પણ શ્રદ્ધાળુઓ અજમેરમાં ખ્વાજાજીની દરગાહની મુલાકાત લે છે. તદુપરાંત, ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) એ એક વૈધાનિક બોર્ડ છે જે વિભાજન પછી ભારતમાં આવેલા હિન્દુઓ અને શીખોની ધાર્મિક મિલકતો અને મંદિરોનું સંચાલન કરે છે.

આ પણ વાંચો: વિશ્વના કયા મુસ્લિમ દેશોમાં હિન્દુ મંદિરો છે? જૂઓ અહીં સંપૂર્ણ યાદી

Back to top button