અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

આજે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઃ ત્રણ વખત પેપર ફૂટ્યાં બાદ વિશેષ તકેદારી, બે વખત વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે

Text To Speech

અમદાવાદઃ અગાઉ જુદા જુદા વિવાદોને કારણે ત્રણ-ત્રણ વખત નહીં લઈ શકાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રવિવારે યોજાશે. પરીક્ષામાં સૌથી વધુ 1.88 લાખ ઉમેદવારો અમદાવાદના છે. જ્યારે રાજ્યમાંથી 10.45 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. આ વખતે કોઈપણ પ્રકારનો ફિયાસ્કો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રહેશે.

વિદ્યાર્થીઓ માટે મોટાપાયે STની સુવિધા
જાહેર પરીક્ષામાં પહેલીવાર તમામ ઉમેદવારોની હાજરી એપ્લિકેશનથી જ પુરાશે. ઉમેદવારોની વધારે સંખ્યાને કારણે શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરીક્ષા કેન્દ્રો રખાયા છે. અમદાવાદ બહાર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે શનિવારથી જ એસટી બસની ફાળવણી કરાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પરીક્ષામાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓથી લઇને તાલુકા કક્ષાના અધિકારીઓને પણ પરીક્ષાની કામગીરીમાં જોડી લેવાયા છે.

બે વખત વિદ્યાર્થીઓનું ચેકિંગ થશે
પ્રશ્ન પેપરની દરેક મુવમેન્ટ પર સ્થાનિકથી લઇને રાજ્ય કક્ષાના અધિકારીઓ નજર રાખીને બેઠા છે. સ્ટ્રોંગ રૂમમાં શનિવારે સાંજે પ્રશ્ન પેપર પહોંચી ચૂક્યા છે. પહેલા જે વિસ્તાર પ્રમાણે સ્ટ્રોંગરૂમ રાખવામાં આવતા તેના બદલે હવે શહેર પ્રમાણે એક જ સ્ટ્રોંગ રૂમ રખાયો છે. આ વખતે પહેલીવાર પરીક્ષા કેન્દ્ર પર દરેક ઉમેદવારનું મેટલ ડિટેક્ટર તેમજ ફિઝિકલ એમ બે વખત ચેકિંગ થશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવી ફરજિયાત છે. જો વેપારીઓ દુકાન ખુલ્લી રાખશે તો તેમની સામે પોલીસ ગુનો નોંધશે.

કોચિંગ ક્લાસ પર પોલીસ ગોઠવાઈ ગઈ
સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ કરાવતા કલાસની આસપાસ શનિવારથી જ ખાનગી ડ્રેસમાં પોલીસ ગોઠવી દેવાઇ હતી. પોલીસનું માનવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા કલાસ તેમના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે તે માટે પેપર મગાવવા પ્રયાસ કરતા હોય છે. જેથી આવા ક્લાસની આસપાસ પોલીસે વોચ ગોઠવી હતી.

Back to top button