CCTVએ ભાંડો ફોડ્યો, ITને રાજકોટના બિલ્ડરના 500 કરોડના દસ્તાવેજો શેરીમાંથી મળ્યા
રાજકોટ, 7 માર્ચ 2024, થોડા દિવસ પહેલાં જ રાજકોટમાં ટોચની બિલ્ડર્સ લોબી પર આવકવેરા વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્રના જાણિતા ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં ITના દરોડાથી ખળભળાટ મચી ગયો હતો. 8 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં કરચોરીની નવી મોડેસઓપરેન્ડી ITને જાણવા મળી છે. બિલ્ડરે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય શેરી વિસ્તારમાં એક ભાડાની ઓરડીમાં છૂપાવ્યા હોવાનું ITને મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે. આ તપાસ દરમિયાન 8 દિવસના અંતે 500 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે.
લાડાણી ગ્રૂપની તપાસમાં મળ્યા પુરાવા
રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા 27 ફેબ્રુઆરીની સવારથી ઓરબીટ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટના પ્રતિષ્ઠિત જ્વેલર્સને ત્યાં દિવાળી પહેલા દરોડા સાથે કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ આ બીજા મોટા સર્ચ ઓપરેશનની કામગીરી બાદ 500 કરોડના વ્યવહારો, હિસાબો અને સાહિત્ય મળી આવ્યા છે. તપાસ બાદ બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાય રહી છે.આ દસ્તાવેજો સાચવવાનું કામ બે લોકોને સોંપવામાં આવ્યું હતું. ITને એક ફોન પણ મળ્યો છે. CCTVમાં સૂટકેસ લઈ જતા બે લોકો જોવા મળ્યા છે. ITએ સૂટકેસ તપાસતા તેમાંથી 1.25 કરોડ રૂપિયા મળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
CCTV ફૂટેજ તપાસી પોલીસની પણ મદદ લેવાઈ
27 ફેબ્રુઆરીએ વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી.વહેલી સવારે 6 વાગ્યે જ આવકવેરાની ટીમે દિલીપ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેમના ભાગીદારોને ત્યાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું હતું. આવકવેરા વિભાગને શંકાસ્પદ સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં લાડાણી ગ્રુપના માણસો બેગ તેમજ પોટલાં ભરી અલગ જગ્યાએ લઈ જતા હોવાનું દેખાતા તપાસ શરૂ કરી હતી. બિલ્ડરે શેરીમાં એક ઓરડી ભાડે રાખી હતી.જ્યાં લેપટોપ સહિતના સાહિત્ય સંતાડવામાં આવ્યા હતા. ગત શુક્રવારે આવકવેરા વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને 15 જેટલા અધિકારીઓએ સવાર સુધી ઓરડીમાં સર્ચ કર્યું હતું.આસપાસ સીસીટીવી ફૂટેજ પણ તપાસી પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃકાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને કારણે 9 ટ્રેનો સાબરમતી અને ગાંધીનગરથી દોડાવાશે