ચૂંટણી 2022ધર્મબિઝનેસવિશેષ
ઠાકોરજીના વાઘા બનાવવાના હુન્નર થકી જૂનાગઢની મહિલાઓ પગભર બની
ઘરમાં આર્થિક તંગી હમેશા રહ્યા કરતી હતી. એટલે બે પૈસા કમાવવા માટે કશું કામ શોધતી રહેતી હતી. પણ શું કામ કરવું એ મોટો પડકાર હતો. એવા વિકટ સંજોગોમા સ્વ સહાય જૂથ (સખી મંડળ)ની પ્રવૃત્તિઓમાં જોડાવાનું બન્યું. ત્યાં મેં ઠાકોરજીના વાધા બનાવવાનું શરૂ કર્યુ. ધીમે ધીમે અથાગ પ્રયત્ન અને અમારા જૂથને સરકારી સ્તરે મળતા આર્થિક સહાય, અમારી પ્રવૃત્તિઓને વેચાણ માટે અપાતા સબળ માધ્યમોના કારણે આજે હું બે પાંદડે થઈ છું, શહેરની બહાર પણ હવે હું મારી આર્થિક પ્રવૃત્તિ માટે જઈ રહી છું. તેમ જૂનાગઢના વંદનાબેન કારેલીયાએ જણાવે છે.
ઘરમાટે વાઘા બનાવવાના હુન્નરે તેમને પગભર કર્યા, હવે ગુજરાતભરમાં વેંચવા જાય છે
જૂનાગઢના હસ્તી સ્વ સહાય જૂથ દ્વારા ઠાકોરજીના વાઘા અને શણગારો એક્રેલિકની વસ્તુઓ જેવી કે લાભ શુભ રંગોળી ટોડલા બનાવીને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. વંદનાબેન પોતે ધર માટે ઠાકોરજીના વાઘા બનાવતા જ હતા. તે હુન્નરને તેઓને તથા તેમની મંડળની તમામ મહિલાઓને પગભર બનાવી હતી. વંદનાબેન કારેલીયા કહે છે કે અમારી જૂથની બહેનો સરકાર દ્વારા કરવામાં આવતા જુનાગઢ તથા સમગ્ર ગુજરાતમા થતા હસ્તકલાના મેળાઓમાં વેચાણ કમ પ્રદર્શનમાં જતા હોય છે
સરકાર દ્વારા મળતી વિનામૂલ્યે સ્ટોલની સેવાથી એક મોટુ બજાર અને માર્કેટિંગ પ્લેટફોર્મ મળ્યું
આ ગ્રામીણ જૂથની બહેનોના સ્વાવલંબન માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં યોજાયેલા હસ્તકલાના મેળામાં તંત્રએ સ્ટોલ ફાળવ્યો હતો. જુનાગઢમાં વંદે ગુજરાત અન્વયે સાત દિવસ સુધી યોજાનારા પ્રદર્શન કમ વેચાણના સખી મેળાના પોતાના સ્ટોલ વિશેનો અભિપ્રાય આપતાં માહિતી ખાતાની ટીમને વંદનાબહેન કહે છે કે, સરકારના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ દ્વારા બહેનોની આર્થિક ઉન્નતિ માટે આવા હસ્તકલાના મેળા થકી વિનામૂલ્યે સ્ટોલ ફાળવી એક બજાર – માર્કેટિંગનું સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આવા મેળાઓમાં અમને ગ્રાહકોનો સારો એવો પ્રતિસાદ મળતો રહે છે.