ઘી પશુધનનું ઉત્પાદન નથી! SCમાં પહોંચ્યો મામલો, દલીલો સાંભળીને જજ રહી ગયા દંગ
- ઘીએ પશુધનનું ઉત્પાદન નથી, કારણ કે તે ગાય-ભેંસમાંથી સીધું મેળવવામાં આવતું નથી: અરજદાર
નવી દિલ્હી, 7 માર્ચ: સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં મોટાભાગે મોટા મામલાઓની સુનાવણી થાય છે, પરંતુ કેટલાક એવા કિસ્સાઓ છે જેને જોઈને માત્ર જજ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક મામલો બુધવારે સુનાવણી માટે આવ્યો હતો, જેમાં દેશી ઘી અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં અરજદારે દલીલ કરી હતી કે, ઘી એ પશુધનનું ઉત્પાદન નથી, કારણ કે તે ગાય અને ભેંસમાંથી સીધું મેળવવામાં આવતું નથી. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઘી એ પશુધનનું જ ઉત્પાદન ગણાશે કારણ કે તે પશુધનના દૂધમાંથી બને છે.
સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે સંગમ મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડની અરજીને ફગાવી દીધી હતી, જેનાથી રાજ્યમાં બજાર સમિતિઓ દ્વારા તેના વેચાણ અને ખરીદી પર ડ્યૂટી લાદવાનો માર્ગ મોકળો થયો હતો.
કોર્ટે રાજ્ય સરકારની 1994ની સૂચનાને સમર્થન આપ્યું
સર્વોચ્ચ અદાલતે આંધ્ર પ્રદેશના કાયદા હેઠળ ‘ઘી’ને પશુધન ઉત્પાદન તરીકે જાહેર કરતી રાજ્ય સરકારની 1994ની સૂચનાને સમર્થન આપ્યું છે, જેમાં બજાર સમિતિઓને તેના વેચાણ અને ખરીદી પર ડ્યૂટી વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઘીની ખરીદી અને વેચાણ પર માર્કેટિંગ શુલ્ક લાદવાના પ્રશ્ન સિવાય, સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ (કૃષિ ઉત્પાદન અને પશુધન) બજાર અધિનિયમ 1966ની જોગવાઈઓ હેઠળ પશુધન ઉત્પાદન છે કે કેમ તે નક્કી કરવાનું હતું.
ઘીએ પશુધનનું ઉત્પાદન નથી તેવી દલીલ પાયાવિહોણી: સુપ્રીમ કોર્ટ
આ અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેંચે કહ્યું કે, ‘ઘીએ પશુધનનું ઉત્પાદન નથી તેવી દલીલ પાયાવિહોણી છે. તેનાથી વિપરિત, ઘી વાસ્તવમાં પશુધનનું ઉત્પાદન છે તેવી દલીલ તાર્કિક રીતે સાચી છે. અધિનિયમની કલમ 2(v) હેઠળ પશુધનની વ્યાખ્યા કરવામાં આવી છે, જ્યાં ગાય અને ભેંસ નિર્વિવાદપણે પશુધન છે. ઘીએ દૂધની બનાવટ છે, જે પશુધનમાંથી બનાવવામાં આવે છે.
આ પણ જુઓ: ખેડૂત આંદોલનકારી નેતાઓને હાઈકોર્ટે તતડાવ્યા, શસ્ત્રો સાથે દેખાવો બદલ ઉઠાવ્યો પ્રશ્ન