લોકસભા ચૂંટણી: તારીખ આવી ગઈ! આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારોના નામ પર મહોર લાગશે
06 માર્ચ, 2024: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારોના નામની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ છે, જેમાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 7 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાશે. જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.
ડ્રાફ્ટ મેનિફેસ્ટો તૈયાર
લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહેલી કોંગ્રેસ પેનલે પણ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી આ અંગે ચર્ચા કરશે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સમક્ષ ડ્રાફ્ટ રજૂ કરશે. તેમણે કહ્યું કે અમે મેનિફેસ્ટોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હવે તેને કોંગ્રેસ વર્કિંગ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવશે. કમિટીની બેઠકમાં આને આખરી ઓપ આપવામાં આવશે. આ પછી તે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો બની જશે. આવતીકાલે તેને કોંગ્રેસ અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે.
પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે
આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે પ્રિયંકા ગાંધી રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. હાલ સોનિયા ગાંધી અહીંથી લોકસભાના સાંસદ છે. પરંતુ આ વખતે સોનિયા રાજસ્થાનથી રાજ્યસભા પહોંચી છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. જ્યારે રાહુલ ગાંધી ફરી એકવાર અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડી શકે છે.
ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
દેશમાં એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અગાઉ 2 માર્ચે ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 34 સાંસદોની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. જ્યારે આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં 24 મહિલાઓના નામ પણ છે. પીએમ મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથ સિંહ લખનઉથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે.