અમદાવાદગુજરાત

અમદાવાદના માણેકચોકમાં વર્ષો જૂના મકાનની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો, જાનહાની ટળી

Text To Speech

અમદાવાદ, 06 માર્ચ 2024, શહેરના માણેકચોકમાં રાણીના હજીરા પાસે વર્ષો જૂના મકાનની બાલ્કનીનો ભાગ આજે સાંજે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતા રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 15 જેટલા લોકોને રેસ્ક્યૂ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બની ત્યારે AMCની એસ્ટેટ વિભાગની ટીમ પણ પહોંચી હતી.

આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ રાણીના હજીરા પાસે વર્ષો જૂનું મકાન આવેલું હતું. ત્રણ માળનું આ મકાન ખૂબ જ જૂનું હોવાના કારણે અચાનક ધરાશાયી થયું હતું. આસપાસમાં પણ અનેક જૂના મકાનો આવેલા છે. જે જર્જરીત હાલતમાં હોવાના કારણે તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બે જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી.

આવતીકાલે બિલ્ડિગ તોડી પડાશે
સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે ઈમારતની આગળની અડધી દીવાલ અને પાછળની સંપૂર્ણ દિવાલ અચાનકથી ધરાશાહી થઈ હતી. જોકે આ ઘટના સમયે લોકોનો આબાદ બચાવ થયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે AMC તથા ફાયર બ્રિગેડના સહયોગથી તાત્કાલિક ધોરણે આ બિલ્ડીંગ પાડવાનો નિર્ણય કરાયો છે. જેથી આવનારા સમયમાં કોઈ દુર્ઘટના ન બને અને આસપાસના વિસ્તારોમાં કોઈ ડરનો માહોલ ન સર્જાય. જોકે આ જર્જરીત ઇમારતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાડી દેવા માટે નોટિસ આપવામાં આવી હતી કે નહીં તે માહિતી આવનારા દિવસોમાં તપાસ થતાં સામે આવશે.

આ પણ વાંચોઃકાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને કારણે 9 ટ્રેનો સાબરમતી અને ગાંધીનગરથી દોડાવાશે

Back to top button