ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશ/ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરતાં બાહુબલી સાંસદ ધનંજય સિંહને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા

જોનપુર, ૬  માર્ચ : જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને જોનપુર લોકસભા બેઠકના સાંસદ ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેમને અપહરણ અને ખંડણીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા ધનંજય સિંહનું રાજકીય ભવિષ્ય હવે અંધકારમાં જોવા મળી રહ્યું છે.

માહિતી અનુસાર, 10 મે, 2020 ના રોજ, મુઝફ્ફરનગરના રહેવાસી નમામી ગંગેના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય સિંહ અને તેના ભાગીદાર વિક્રમ વિરુદ્ધ જૌનપુરના લાઈન બજાર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીની માંગણીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિક્રમ અભિનવ સિંઘલનું અપહરણ કરીને તેને પૂર્વ સાંસદના ઘરે લઈ ગયો હતો.

ધનંજયસિંહ પિસ્તોલ લઈને ત્યાં આવ્યો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હલકી ગુણવત્તાની સામગ્રી સપ્લાય કરવા દબાણ કર્યું હતું. તેના ઇનકાર પર તેને ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ધનંજય સિંહ અને તેના સહયોગીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ધનંજય સિંહની પ્રતિક્રિયા જોવા મળી હતી. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી કૃપાશંકર સિંહને જૌનપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.

આ પછી ધનંજય સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરતા લખ્યું, “મિત્રો! તૈયાર રહો… ટાર્ગેટ માત્ર એક લોકસભા 73, જૌનપુર છે.” આ સાથે તેમના ફોટો પર ‘જીતેગા જૌનપુર’ પણ લખ્યું હતું. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે નીતિશ કુમારની પાર્ટી જેડીયુના સિમ્બોલ પર ચૂંટણી લડશે કે અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

માત્ર 27 વર્ષની વયે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

ઉલ્લેખનીય છે કે ધનંજય સિંહ માત્ર 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેમણે 2002ની વિધાનસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. આ પછી, 2007ની ચૂંટણીમાં, તેઓ જનતા દળ યુનાઇટેડ (JDU)ની ટિકિટ પર ચૂંટણી જીત્યા. 2009માં તેમણે BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં ધનંજય સિંહ ફરીથી JDUની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમને આશા હતી કે તેમને JDU તરફથી ટિકિટ મળશે. પરંતુ જેડીયુ એનડીએમાં જોડાયા અને જૌનપુરથી ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આમ છતાં તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મૃત્યુ પછી ધનંજય સિંહ જીવતા નીકળ્યા ત્યારે!

17 ઓક્ટોબર 1998ના રોજ ભદોહી પોલીસે મિર્ઝાપુર બોર્ડર પર ચાર બદમાશોનો સામનો કર્યો હતો. આ પછી પોલીસે દાવો કર્યો હતો કે પેટ્રોલ પંપ લૂંટવા જઈ રહેલા ગુનેગારો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, જેમાં 50,000 રૂપિયાનું ઈનામ ધરાવતો ગેંગસ્ટર ધનંજય સિંહ પણ સામેલ હતો. તે સમયે ભદોહી પોલીસના દરેક જગ્યાએ વખાણ થયા હતા, પરંતુ બીજા જ દિવસે તેમની ટીકા પણ શરૂ થઈ ગઈ હતી.

માર્યા ગયેલા જે વ્યક્તિની ઓળખ પોલીસે ધનંજય સિંહ તરીકે કરી હતી, તે લાશના  દાવેદારે પણ કહ્યુ હતું કે, ‘લાશ તેની નથી. વાસ્તવમાં તે ધનંજય સિંહ નામનો બીજો વ્યક્તિ હતો. આ પછી, પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દેખાવો કરવામાં આવ્યા હતા કે પોલીસે નિર્દોષ લોકોની હત્યા કરી છે. 11 જાન્યુઆરી, 1999ના રોજ ધનંજયે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું.

રશિયા-યુક્રેન યુદ્ધમાં વધુ એક ભારતીય યુવાને ગુમાવ્યો જીવ, એજન્ટે છેતરપિંડી કરી પુતિનની સેનામાં કરાવી હતી ભરતી

Back to top button