જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘ સફારી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો
- રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ યોજના અનુસાર જંગલ વિસ્તારમાં સહેલાઈઓ માટે ગમે ત્યાં ફરવાની છૂટ ન હોઈ શકે
- આ કેસમાં અધિકારીઓ, રાજકારણીઓએ લોક વિશ્વાસના સિદ્ધાંતની પરવા કરી નથી
નવી દિલ્હી, 6 માર્ચ, 2024: સુપ્રીમ કોર્ટે જિમ કોર્બેટ પાર્કમાં વાઘ સફારી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ યોજના અનુસાર જંગલ વિસ્તારમાં સહેલાઈઓ માટે ગમે ત્યાં ફરવાની છૂટ ન હોઈ શકે.
આમ આ ચુકાદા દ્વારા કોર્ટે માત્ર અગાઉ નિર્ધારિત કરેલા વિસ્તારોમાં જ વાઘ સફારીની પરવાનગી આપી છે. અદાલતે જોકે કોર્બેટ જંગલ વિસ્તારમાં બંધાઈ ગયેલા ગેરકાયદે બાંધકામ તોડવાની પરવાનગી આપવા બદલ આશ્ચર્યજનક રીતે ઉત્તરાખંડના ભૂતપૂર્વ વનમંત્રી રાવત તેમજ ભૂતપૂર્વ વિભાગીય અધિકારીઓની ટીકા કરી હતી.
ચુકાદામાં કોર્ટ કહ્યું કે, આ કેસમાં અધિકારીઓ, રાજકારણીઓએ લોક વિશ્વાસના સિદ્ધાંતની પરવા કરી નથી. અદાલતના મતે, વાઘ જંગલનું રક્ષણ કરે છે, વાઘ વિના જંગલ નષ્ટ થઈ જાય અને તેથી જંગલોમાં વાઘનો અધિકાર રહેવો જોઇએ.
ન્યાયમૂર્તિ બી આર ગવઈને તેમના ચુકાદામાં કહ્યું કે, રાજકારણ અને અધિકારીઓની અપવિત્ર સાંઠગાંઠને કારણે જંગલ તથા પર્યાવરણને નુકસાન પહોંચે છે. ન્યાયમૂર્તિના મતે જંગલને થયેલા નુકસાનનું રાજ્ય દ્વારા આકલન થવું જોઇએ અને જેને કારણે થયું હોય તેમની પાસેથી તેની રકમ વસૂલ કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આંકડાકીય વિગતો દ્વારા જાણવા મળે છે કે, વાઘના શિકારમાં ઘટાડો થયો છે, તેમ છતાં વાસ્તવિકતાને નજરઅંદાજ કરી શકાય નહીં. જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિની ઉપેક્ષા થઈ શકે નહીં. અદાલતે આ માટે ત્રણ નિષ્ણાતોની સમિતિની રચના કરી છે જેઓ વાઘ અભયારણ્યના કુશળ સંચાલન માટે સૂચનો કરશે.
ચુકાદા અંગે માહિતી આપતા વકીલ ગૌરવકુમાર બંસલે જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતે સીબીઆઈને તેની તપાસનો વચગાળાનો અહેવાલ ત્રણ મહિનામાં રજૂ કરવા સૂચના આપી છે.
આજના આ ચુકાદા બાદ હવે માત્ર નિર્ધારિત કરેલા વિસ્તારોમાં જ તથા બફર ઝોનમાં જ્યાં અગાઉ પરવાનગી હતી ત્યાં જ વાઘ સફારી થઈ શકશે.