ગુજરાતના મોરબી શહેરમાંથી 1.84 કરોડની નશાયુક્ત કફ સીરપનો જથ્થો ઝડપાયો
- ચોખાની આડમાં ઉતારવામાં આવેલા જંગી જથ્થાને ઝડપ્યો
- ગોડાઉન સંચાલક મનીષ પટેલ સહિત 6 સામે ફરિયાદ
- રુ.1.84 કરોડની કફ સિરપની 90 હજાર બોટલ જપ્ત
ગુજરાતના મોરબી શહેરમાંથી 1.84 કરોડની નશાયુક્ત કફ સીરપનો જથ્થો ઝડપાયો છે. જેમાં 6 શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ચોખાની આડમાં કફ સીરપ ઝારખંડથી મોરબી લવાઈ હતી. તેમજ ગોડાઉન સંચાલક મનીષ પટેલ સહિત 6 સામે ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
નશાયુકત કફ સીરપનો જંગી જથ્થો મળી આવ્યો
મોરબીમાં નશાયુકત કફ સીરપનો જંગી જથ્થો મળી આવ્યો છે, મોરબીના એક ગોડાઉનમાંથી 90 હજાર જેટલી કોડીન યુક્ત કફ સીરપ મળી આવી છે. જેને ચોખાની આડમાં મોરબીમાં ઘુસાડવામાં આવી હતી અને અહીંથી તેનું રીપેકિંગ કરીને બીજે મોકલવાની હતી, પરંતુ એ પહેલા જ એલસીબીએ આ જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. નાર્કોટિક્સ એક્ટ મુજબ 6 શખસો સામે ગુનો નોંધાઈ ચુક્યો છે અને આવનારા સમયમાં આ મામલે વધુ સ્ફોટક વિગતો બહાર આવી શકે છે. મોરબીના રંગપર પાસે આવેલ આર ટાઈલ નામના કિચન સિંક બનાવતા ગોડાઉનમાંથી કફ સીરપ સાથે આરોપીઓ ઝડપી લીધા છે.
ચોખાની આડમાં ઉતારવામાં આવેલા આ જંગી જથ્થાને ઝડપ્યો
એલસીબીએ બાતમીના આધારે રેડ કરીને ચોખાની આડમાં ઉતારવામાં આવેલા આ જંગી જથ્થાને ઝડપ્યો હતો સાથે રહેલ ટ્રક ચાલક ક્લીનર અને ગોડાઉનના સંચાલક મનીષ પટેલને ઝડપી લઇ કુલ 6 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. ગોડાઉન સંચાલક મનીષ પટેલ, માલ મંગાવનાર રવિ કંડીયા, ટ્રક ચાલક અને ક્લીનર તેમજ માલ મોકલનાર મસુદ આલમ સામે ફરિયાદ નોંધાઈ છે. રુ. 1.84 કરોડની કફ સિરપની 90 હજાર બોટલ સહિત 4.41 લાખની ચોખાની 630 બોરી અને ટ્રક મળી કુલ 2.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.