ડીસાના બેસ્ટ ક્વોલિટીના ‘કોલંબા’ બટાટાની ડિમાન્ડ વધી, શું છે વિશેષતા ?
બનાસકાંઠા જિલ્લાનું ડીસા બટાટાના ઉત્પાદનમાં ‘હબ’ ગણાય છે. અહીંના બટાટાની ક્વોલિટી સારી હોવાથી બજારમાં તેના ભાવ વધુ મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાના પાકમાં સ્ક્રેપનો પ્રશ્ન શરૂ થઈ ગયો છે. જેને લઈને ખેડૂતો પરેશાન હતા, અને ખેડૂતોને બટાટાનો ભાવ પણ સ્ક્રેપની સમસ્યાને લઈને પૂરતો મળતો નથી. પરંતુ હવે ડીસામાં કોલ્ડ સ્ટોરેજ ધરાવતા સંદીપ સૈનીના કહેવા મુજબ કોલંબા નામની બટાટાની એક નવી વેરાઈટી આવી છે. સંદીપ સૈની કહે છે કે, સ્ક્રેપની સમસ્યા અમને પણ અગાઉ નડી છે . છેલ્લા પાંચ-સાત વર્ષથી પુખરાજ બટાટામાં સ્ક્રેપની સમસ્યાના કારણે ઉત્તરોત્તર તેની ક્વોલિટી અને ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો હતો. ત્યારે સારી જાતના બટાટાની શોધમાં મહિન્દ્રા કંપનીના HZPC નો સંપર્ક થયો. અને ગત વર્ષે કોલંબો અને ટોરસ જાતના બટાટાનું વાવેતર કર્યું હતું. આ બટાટાની નવી વેરાઈટી અમે બીજા ખેડૂતોને પણ આપીને તેમની પાસે વાવેતર કરાવ્યું હતું. સંદીપભાઈ સૈની તેમના અનુભવે જણાવે છે કે, કોલંબા બટાટાનું ઉત્પાદન અને ક્વોલિટી ખૂબ જ સારી થઈ છે. આ બટાટામાં સ્ક્રેપની કોઈ જ મુશ્કેલી આવી નથી. ગત વર્ષે વાવેતર બાદ પણ વરસાદની સમસ્યા હતી છતાં બટાટાનું સાઇનિંગ અને કલર ખૂબ જ સરસ રહ્યો હતો.
બજાર ભાવ સારા મળ્યા
બનાસકાંઠામાં મોટાભાગે પૂખરાજ બટાટાનાનું વાવેતર થાય છે. ત્યારે હાલમાં પૂખરાજ બટાટાના ભાવ કરતાં પણ કોલંબા બટાકાનો ભાવ પ્રતિ કિલોએ 4 થી 5 રૂપિયા વધારે મળી રહ્યો છે. વળી તેનો પૂખરાજ બટાટાના સમય જેટલો જ વાવેતર સમયગાળો છે. આ બટાટામાં 70 થી 75 દિવસે પાણી છોડી દેવું પડે છે. કોલંબા બટાટાની સંગ્રહ શક્તિ પણ સારી છે. તેની ડ્રાય મેટર 17 થી 18 ટકા જેટલી છે. આજની તારીખે કોલંબા બટાટાનો ભાવ 400 થી 425 (20 કિલોગ્રામ) નો મળી રહ્યો છે. સંદીપભાઈ કહે છે કે, આગામી સિઝનમાં કોલંબા બટાટાનું વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ. કેમ કે ખેડૂતો તેનું વાવેતર કરશે, તો તે પછીના વર્ષે તેનું બિયારણ શોધવા માટે તેમને ક્યાંય નહીં જવું પડે.
અમારે પ્રજાને સારા બટાટા ખવડાવવા છે
સંદીપભાઈના જણાવ્યા મુજબ મોટાભાગે કોલંબિયા અને ટોરસ જાતના બટાટાની ભારતમાંથી વિદેશમાં નિકાસ થાય છે. જેથી હાલમાં અહીંયા આ બટાકાની જાત બજારમાં ઉપલબ્ધ બનતી નથી. આપણા બટાટા વિદેશીઓ ખાઈ શકતા હોય તો આપણા ભારતીય લોકો શા માટે સારી જાતના બટાકા ન ખાઈ શકે? આપણી પ્રજાને પણ સારા બટાટા હવે ખવડાવવા છે. અમે આગામી વર્ષ 2023માં ઓપન માર્કેટમાં લોકો માટે આ જાતના બટાટા પણ મૂકવાના છીએ.
ગત વર્ષે અંદાજે 2500 બેગનું વાવેતર કરાયું હતું
બનાસકાંઠા જિલ્લામાં નવેમ્બર માસમાં બટાટાના વાવેતરની શરૂઆત થઈ જાય છે. ઠંડીની સિઝન શરૂ થયા બાદ 15 નવેમ્બર સુધીમાં બટાટાનું વાવેતર લગભગ પૂર્ણ થઈ જાય છે. ત્યારે ગત વર્ષે કોલંબા જાતના બટાટાના વાવેતરની અંદાજે 2500 જેટલી બેગનું વાવેતર થયું હતું. આ જાતમાં 50 કિલોગ્રામની બેગ ના વાવેતર સામે 500 થી 750 કિલોગ્રામનું ઉત્પાદન મળે છે.
યુરોપમાં માથાદીઠ 50 થી 60 કિલોગ્રામ વપરાશ
સંદીપ સૈનીએ જણાવ્યા મુજબ હવે વિદેશમાં ભારતના બટાટાની નિકાસ થાય છે. તેમાં બેસ્ટ ક્વોલિટીના બટાટાનો યુરોપમાં વર્ષે સરોરાશ માથાદીઠ વપરાશ 55 થી 60 કિલોગ્રામ છે. જ્યારે ભારતમાં માથાદીઠ વપરાશ 18 થી 20 કિલો છે. જોકે આ 10 વર્ષ અગાઉનો અંદાજ છે. અત્યારે તેમાં નોંધપાત્ર વધારો થયો હશે તેવું મારું માનવું છે.