ટેસ્ટ ડ્રાઈવના નામે મહિન્દ્રા થાર લઈને ફરાર થઈ ગયો ચોર, પછી શું થયું?
- શોરુમના કર્મચારીઓએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી
નોઈડા, 4 માર્ચ: ઉત્તર પ્રદેશના નોઈડામાં ફોડ અને છેતરપિંડીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે ફરી યુપીના નોઈડામાં ચોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના વિશે જાણ્યા પછી કાર શોરૂમના કર્મચારીઓ કોઈને પણ ટેસ્ટ ડ્રાઈવ આપતા પહેલા બે વાર વિચારશે. આ ઘટના નોઈડાના સેક્ટર 63માં બની હતી. અહીં મહિન્દ્રા થાર ખરીદવા માટે શોરૂમમાં આવેલ એક વ્યક્તિ ટેસ્ટ ડ્રાઈવના નામે કાર લઈને ભાગી ગયો હતો. જો કે, ઘણા પ્રયત્નો પછી, પોલીસે કોઈક રીતે તેને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી છે.
કેવી રીતે બની ઘટના?
પોલીસના જણાવ્યા અનુસાર નોઈડાના સેક્ટર 63માં મહિન્દ્રા થાર કારનો શોરૂમ છે. મોહિત ચાવલા નામનો આરોપી થાર કાર ખરીદવા આ શોરૂમ પહોંચ્યો હતો. મોહિતે શોરૂમમાં હાજર કર્મચારીઓને મહિન્દ્રા થાર બતાવવા કહ્યું હતું. જ્યારે તેને કાર બતાવવામાં આવી ત્યારે તેણે ટેસ્ટ ડ્રાઈવ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કર્મચારીઓ ટેસ્ટ ડ્રાઈવ માટે તૈયાર થઈ ગયા અને મોહિતને કાર ટેસ્ટ ડ્રાઈવ માટે આપી દિધી.
ટેસ્ટ ડ્રાઈવ માટે ગયેલો મોહિત પાછો જ ના ફર્યો
ટેસ્ટ ડ્રાઈવ માટે ગયેલો મોહિત ચાવલા લાંબા સમય સુધી પરત જ ન આવતા શોરૂમના સ્ટાફે આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લાંબા સમય પછી પણ મોહિત ચાવલાનો સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારે શોરૂમના કર્મચારીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી.
અગાઉ પણ થઈ ચૂકી છે મોહિતની ધરપકડ
ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી મોહિત ચાવલા સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ પોલીસે તપાસ આગળ વધારી અને બીજા જ દિવસે સેક્ટર 63માંથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી મહિન્દ્રા થાર કાર પણ કબજે કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહિત ચાવલાની દિલ્હી અને નોઈડામાં આ પ્રકારના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.
આ પણ વાંચો: Rapidoનો વ્યક્તિએ એવો ઉપયોગ કર્યો કે ક્યારેય વિચાર્યું પણ ના હોય, જુઓ વીડિયો