સુરતના ડિંડોલી વિસ્તારમાં રીઢા ગુનેગારની તીક્ષણ હથિયારના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવી, પોલીસ તપાસ શરૂ
સુરતના ડિંડોલીમાં માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા શખ્સની હત્યા થઈ છે. જાહેરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મોડિ રાત્રે થયેલી હત્યાને પગલે ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગર સામે આંગળી ચીંધાઈ
ડિંડોલી વિસ્તારમાં જે શખ્સની હત્યા થઈ છે, તેનું ઉજ્જવલ હોવાનું સામે આવ્યું છે. માથાભારે અને રીઢા ગુનેગારની છાપ ધરાવતા ઉજ્જવલની હત્યા પાછળ દારૂનો વેપાર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉજ્જવલને બુટલેગર સાથે માથાકૂટ ચાલતી હતી. જેથી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુટલેગરે આ હત્યા કરાવી હોવાની આશંકા છે.
મૃતક રીઢો ગુનેગાર
ઉજ્જવલની જાહેર રોડ પર હત્યા કરીને આરોપીઓ નાસી ગયાં હતાં. તિક્ષ્ણ હથિયારના ઘા વાગતાં ઉજ્જવલનો મૃતદેહ લોહીના ખાબોચીયામાં પડ્યો હતો. ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઉજ્જવલ થોડા દિવસ અગાઉ જેલવાસ ભોગવીને આવ્યો છે. ત્યારે હાલ પોલીસે ઉજ્જવલની હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.