‘મોદીજીને કદાચ મારા શબ્દો ગમ્યા નહીં હોય’, ટિકિટ કપાયા બાદ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન
નવી દિલ્હી, 03 માર્ચ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ મધ્યપ્રદેશના ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત 34 વર્તમાન સાંસદોની ટિકિટ રદ્દ કરી દીધી છે. પ્રજ્ઞા ઠાકુર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની ટિકિટ કેમ કેન્સલ કરવામાં આવી? તેમણે કહ્યું, ‘કદાચ મેં કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો જે મોદીજીને પસંદ ન આવ્યા.
મેં પહેલાં ટિકિટ માંગી નથી, હવે પણ નથી માંગી: પ્રજ્ઞા ઠાકુર
જ્યારે પ્રજ્ઞા ઠાકુરને પૂછવામાં આવ્યું કે પાર્ટીએ તેમને આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટ કેમ ન આપી? તેમણે કહ્યું, ‘આ સંગઠનનો નિર્ણય છે, ટિકિટ કેમ કાપવામાં આવી, તે વિશે કોઈએ વિચારવું જોઈએ નહીં. મેં પહેલા પણ ટિકિટ માંગી ન હતી અને અત્યારે પણ માંગી નથી. તેમણે આગળ કહ્યું કે, મેં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો હશે જે મોદીજીને પસંદ ન આવ્યા હોય અને તેમણે કહ્યું હતું કે તેઓ મને માફ નહીં કરે, પરંતુ મેં તેના માટે પહેલેથી જ માફી માંગી લીધી છે. મારું સાચું બોલવું. તેનાથી વિરોધીઓ અને કોંગ્રેસના લોકો ચિડાય છે અને મારી આડમાં તેઓ મોદીજી પર હુમલો કરે છે.
મહત્ત્વનું છે કે, વડાપ્રધાન મોદી પ્રજ્ઞા ઠાકુરથી નારાજ હતા. તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ‘સાચો દેશભક્ત’ ગણાવ્યો હતો, જેના પર મોદીએ કહ્યું હતું કે તેઓ તેમને માફ કરી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે તેણે ગોડસેના નિવેદન માટે માફી માંગી છે પરંતુ મહાત્મા ગાંધીનું અપમાન કરવા બદલ હું પ્રજ્ઞા ઠાકુરને ક્યારેય માફ કરી શકીશ નહીં.
નિવેદનને વિવાદિત ગણાવીને મુદ્દાને ઉછાળ્યો
પ્રજ્ઞા ઠાકુરે તેમના ગોડસેના નિવેદનને યોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે તેમણે જે પણ કહ્યું તે સત્ય હતું પરંતુ મીડિયાએ તેને વિવાદાસ્પદ નિવેદન ગણાવીને આ મુદ્દાને ઉછાળ્યો. જો કે, તેમણે સપષ્ટતા કરી છે કે, ‘મારો પક્ષ છોડવાનો કોઈ વિચાર નથી. સંગઠન મને જે પણ જવાબદારી આપશે તે હું નિભાવીશ અને જ્યાં જરૂર પડશે ત્યાં હાજર રહીશ. ‘
આ પણ વાંચો: વિવાદિત નિવેદનબાજી કરનારા આ 4 સાંસદોનું ભાજપે પત્તું કાપ્યું