ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શાહબાઝ શરીફ પાકિસ્તાનના PM ચૂંટાયા બાદ ઈમરાન ખાનના 100થી વધુ સમર્થકોની ધરપકડ

Text To Speech

લાહૌર (પાકિસ્તાન), 03 માર્ચ: પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફ ફરી ચૂંટાયા બાદ જેલમાં બંધ ઈમરાન ખાનની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. પાકિસ્તાન પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકર્તાઓ પર પોતાના લાઠીચાર્જ કર્યો છે. PTIના કાર્યકરો પાકિસ્તાનની ચૂંટણીમાં કથિત ધાંધલધમાલ વિરુદ્ધ રેલી કાઢી રહ્યા હતા. આનાથી પાકિસ્તાન પોલીસે પંજાબના જુદા-જુદા ભાગોમાંથી જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 100થી વધુ સમર્થકોની ધરપકડ કરી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી.

CM મરિયમ નવાઝે કાર્યવાહીનો આદેશ આપ્યો

નોંધનીય છે કે પાર્ટીના સ્થાપક ઈમરાન ખાનના આહ્વાન પર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કથિત ધાંધલધમાલ વિરુદ્ધ શનિવારે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. મોટાભાગના લોકોની લાહોરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી મરિયમ નવાઝે પીટીઆઈ સમર્થકો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પીટીઆઈના પ્રવક્તાએ કહ્યું, પોલીસે લાહોરમાં 80 કાર્યકરો અને નેતાઓને માર માર્યો અને ધરપકડ કરી. ગુજરાત (પાકિસ્તાનમાં આવેલા શહેરનું નામ) માં 20થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના 38 શહેરોમાં અને સંઘીય રાજધાની ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

લાહોરમાં પોલીસે લાઠીચાર્જ કર્યો

લાહોરમાં પાકિસ્તાન પોલીસે જીપીઓ ચોક અને લિબર્ટી ચોક પર પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. PTIના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નેતા મિયાં શહજાદ ફારૂક અને અફઝલ અઝીમ ફહત, જેમણે મરિયમ નવાઝ અને તેમના કાકા શહેબાઝ શરીફ સામે ગયા મહિને ચૂંટણી લડી હતી, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ફારુકે મરિયમને હરાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનના ચૂંટણી પંચે પરિણામો બદલી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટ બારના ભૂતપૂર્વ સચિવ આફતાબ બાજવાની પણ ધરપકડ કરવામાં આવી હતી. PTIના ઝંડા દેખાડવા પર ખાનના સમર્થકોને કારમાંથી બહાર ખેંચવામાં આવ્યા અને ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પંજાબ પોલીસે કહ્યું કે તેઓએ રસ્તા રોકનારા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: શાહબાઝ શરીફ પાકિસ્તાનની કમાન સંભાળશે, સતત બીજી વખત બન્યા વડાપ્રધાન

Back to top button