ઇઝરાયેલ હમાસ સાથે યુદ્ધવિરામ માટે સહમત: અમેરિકાએ આપી જાણકારી
ઇઝરાયેલ, 3 માર્ચ : એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું કે ઇઝરાયેલે(Israel ) હમાસ સાથેના યુદ્ધવિરામ કરારને વ્યાપકપણે સ્વીકાર કર્યો છે. પ્રસ્તાવિત સમજૂતી હેઠળ, યુદ્ધ 6 અઠવાડિયા સુધી અટકી શકે છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકાએ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં વિમાનો દ્વારા રાહત સામગ્રી છોડવાની જાહેરાત કરી છે.
એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જો હમાસ બીમાર, ઘાયલ, વૃદ્ધો અને મહિલાઓ જેવા સંવેદનશીલ બંધકોને મુક્ત કરવા માટે સંમત થાય તો ગાઝા પટ્ટીમાં છ સપ્તાહનો યુદ્ધવિરામ શરૂ થશે. અત્યારે બોલ હમાસના કોર્ટમાં છે.” યુદ્ધવિરામને લઈને ઈજિપ્તની રાજધાની કૈરોમાં તમામ પક્ષો વચ્ચે બેઠક થઈ શકે છે.
પ્રસ્તાવિત યુદ્ધવિરામ કરારમાં શું સામેલ છે?
- રિપોર્ટ અનુસાર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી અનેક તબક્કામાં લાગુ કરવામાં આવશે. ઇઝરાયેલ ગાઝામાં છ સપ્તાહનો યુદ્ધવિરામ રાખશે, જેના બદલામાં હમાસ 40 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે.
- એવી સંભાવના છે કે આ સમયગાળા દરમિયાન ઇઝરાયેલ તેની જેલોમાં બંધ 4,000 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે.
- જોકે, યુદ્ધવિરામને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
- 10-11 માર્ચથી શરૂ થનારા મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિના પહેલા યુદ્ધવિરામની શક્યતા છે.
યુએનએ ગાઝામાં દુકાળની ચેતવણી આપી છે
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ ગાઝામાં દુકાળની ચેતવણી આપી છે. યુએનએ ગાઝામાં ગંભીર ખાદ્ય અસુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન જારી કર્યું અને મોટા પાયે માનવતાવાદી સહાય માટે અવરોધ વિનાની પહોંચની વિનંતી કરી.બીજી તરફ, યુએસએ કહ્યું કે તેણે ગાઝામાં ખાદ્ય ચીજોના 38,000 પેકેટ્સ ઉતાર્યા છે.
ઈઝરાયેલના હુમલામાં 7 બંધકો માર્યા ગયા-હમાસ
હમાસે દાવો કર્યો છે કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 7 લોકોના મોત થયા છે. હમાસે કહ્યું છે કે આ બંધકોના મોત ઈઝરાયેલના બોમ્બમારાથી થયા છે. હુમલામાં હમાસના કેટલાક લડવૈયાઓ પણ માર્યા ગયા છે.હમાસનું કહેવું છે કે માર્યા ગયેલા બંધકોની સંખ્યા 70ને વટાવી શકે છે. એવું માનવામાં આવે છે કે લગભગ 130 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે.
ગાઝામાં 30,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 21,000 બાળકો અને મહિલાઓ સહિત 30,000 થી વધુ લોકો માર્યા ગયા છે. 7,000 થી વધુ લોકો ગુમ છે અને 70,000 થી વધુ ઘાયલ છે. યુએનને ગાઝામાં 2.3 મિલિયન લોકોના વ્યાપક ભૂખમરાનો ભય છે. બીજી તરફ, 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,160 ઈઝરાયેલના મોત થયા છે.