ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદનો માર, જાણો કયા સૌથી વધુ પડ્યુ માવઠુ
- ત્રણ તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ આવ્યો
- અંજારમાં દોઢ ઈંચ વરસાદથી જનજીવનને અસર
- 16થી વધુ જિલ્લાના 69 તાલુકાઓમાં વરસાદી માહોલ
ગુજરાતના 77 તાલુકામાં કમોસમી વરસાદનો માર પડ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં દોઢ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. તેમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે કચ્છના અંજારમાં દોઢ ઈંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી છે.
ત્રણ તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ આવ્યો
ત્રણ તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ આવ્યો છે. તેમજ 13 તાલુકામાં અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, દ્વારકા, કાલાવડ-ધ્રોલ, જામનગર,ખંભાળીયા,પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો જેમા વીજ ફોલ્ટની 30 ફરિયાદ નોંધાઈ હતી. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં તૈયાર જીરું, ઘઉ, વરિયાળી અને રાયડો સહિતના પાકને નુકશાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટમાં 15 મિનિટ સુધી પડેલા વરસાદથી અનેક જગ્યાએ વરસાદી પાણીની નહેર વહેતી થઈ હતી તો અનેક સ્થળે લગ્નના મંડપના સમીયાણા હવામાં ઉડયા હતા. બહુમાળીભવન ચોક ખાતે અનેક વાહન ચાલકો સ્લીપ થયા હતા.
સુરેન્દ્રનગર સહિત 16થી વધુ જિલ્લાના 69 તાલુકાઓમાં વરસાદી માહોલ
અમદાવાદ, ભાવનગર, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિત 16થી વધુ જિલ્લાના 69 તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં વિજળી પડતાં એક ખેડૂતનું મોત નિપજ્યું હતુ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. બનાસકાઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદના પગલે જરૂ, એરંડા, બટાકા તેમજ અન્ય શાકભાજી પાકમાં નુકશાનીનિ ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડયાં હતા. ખેડાના મહેમદાવાદ, માતર અને ખેડા તાલુકામાં સાંજના 6થી 8 વાગ્યા દરમિયાન અદધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
અંજારમાં સૌથી વધુ એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ
અંજારમાં સૌથી વધુ એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા ભર ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. એ સિવાય ભચાઉમાં 10 મીમી, ગાંધીધામમાં 7 મીમી, રાપરમાં 5 મીમી અને મુંદ્રામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. ધાનેરામાં 28 મીમી, ડિસામાં 21, ભાભરમાં 21, વડગામમાં 17, પાલનપુરમાં 9, દાંતિવાડામાં 9, અમીરગઢમાં 9, લાખણીમાં 7 એ સિવાય દિયોદર, કાંકરેજ, સુઈગામ, થરાદમાં પણ માવઠું થયું હતું.