RSS નેતાની હત્યાનો આરોપી આતંકી મોહમ્મદ ગૌસ નિયાઝી દક્ષિણ આફ્રિકામાં ઝડપાયો
- નિયાઝીએ ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો મુખ્ય ચહેરો
નવી દિલ્હી, 2 માર્ચ: કેન્દ્રીય એજન્સીઓએ વિદેશની ધરતી પર મોટી સફળતા હાંસલ કરી છે. NIAના મોસ્ટ વોન્ટેડ મોહમ્મદ ગૌસ નિયાઝીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ ગૌસ નિયાઝીને દક્ષિણ આફ્રિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. જેથી આતંકીને ભારત મોકલી દેવામાં આવ્યો છે. NIAએ મોહમ્મદ ગૌસ નિયાઝી પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. મોહમ્મદ ગૌસ નિયાઝી ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો મુખ્ય ચહેરો છે. નિયાઝી પર 2016માં બેંગલુરુમાં RSS નેતા રુદ્રેશની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. રુદ્રેશની હત્યા કર્યા બાદ તે ભારતમાંથી ફરાર થઈ ગયો હતો અને અલગ-અલગ દેશોમાં ફરતો હતો.
ગુજરાત ATSએ ટ્રેક કર્યું લોકેશન
ગુજરાત ATSએ પહેલા દક્ષિણ આફ્રિકામાં નિયાઝીને ટ્રેક કર્યો હતો અને પછી કેન્દ્રીય એજન્સીને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ NIAએ તેને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું, જેમાં નિયાઝી ફસાઈ ગયો અને તે દક્ષિણ આફ્રિકામાં પકડાયો હતો અને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો. આરોપી ઝડપાયા બાદ NIAની ટીમ શનિવારે તેની સાથે મુંબઈ પહોંચી હતી.
RSS નેતા રૂદ્રેશની વર્ષ 2016માં થઈ હતી હત્યા
ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોમ્બર, 2016ના રોજ બેંગલુરુમાં ધોળા દિવસે RSS કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. RSS કાર્યકર રૂદ્રેશ સંઘના કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. 35 વર્ષીય રુદ્રેશ સંઘના એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેંગલુરુના શિવાજી નગર વિસ્તારમાં શ્રીનિવાસ મેડિકલ સ્ટોરની સામે RSS નેતા રુદ્રેશ તેના મિત્રો સાથે ઊભા હતા. ત્યારે ઘાત મારીને બેઠેલા નિયાઝીએ પોતાની સાથે વધુ ત્રણ બદમાશો રાખીને અચાનક RSS નેતા પર હુમલો કર્યો હતો. આ તમામ બદમશો બે બાઇક પર આવ્યા હતા અને રૂદ્રેશ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં રૂદ્રેશનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ જુઓ: બ્રિટનમાં નફરત ફેલાવશો તો વિઝા રદ્દ થશે: PM સુનકની કટ્ટરપંથીઓને કડક ચેતવણી