ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
મેઘમલ્હાર : સૌરાષ્ટ્રનાં ૩૧ તાલુકા મથકોએ અડધાથી આઠ ઈંચ વરસાદ
અષાઢ મહિનાને આજે પખવાડીયું પૂર્ણ થયું છે ત્યારે છેલ્લા 15 દિવસથી સૌરાષ્ટ્રમાં થઈ રહેલા મેઘમલ્હાર વચ્ચે આજે પણ સૌરાષ્ટ્રનાં ૩૧ તાલુકા મથકોએ અડધાથી આઠ ઈંચ વરસાદ વરસી ગયો હતો.
રેડઝોન જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને અમરેલીમાં જળબંબાકાર
દરમ્યાન હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરેલા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અને અમરેલી જિલ્લામાં ગતરાત્રિથી આજે સાંજ સુધીમાં અનરાધાર છથી આઠ ઈંચ જેવા ભારે વરસાદનાં કારણે જળબંબાકાર સર્જાયો હતો.
સોરઠ પંથકમાં સતત વરસાદી હેલીથી ગામડાઓ બેટમાં ફેરવાયા
જૂનાગઢ જિલ્લામાં ગત મધરાતથી જ વરસાદ વરસવો ચાલુ થયો હતો, જે આજે સવારથી વેગવંતો બન્યો હતો. સૌથી વધુ માણાવદરમાં રાત્રે બે ઈંચ અને દિવસે છ ઈંચ મળીને આઠ ઈંચ વરસાદ વરસી પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છ – સાત ઈંચ વરસાદથી અનેક ગામડાં બેટમાં ફેરવાઈ ગયા હતાં. જયારે માળિયા હાટીનામાં ૩ ઈંચ, વંથલીમાં સાડા ત્રણ ઈંચ, મેંદરડા, વિસાવદર, ભેસાણ, જૂનાગઢમાં એક ઈંચ, કેશોદમાં પોણો ઈંચ અને માંગરોળમાં અડધો ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. સુત્રાપાડા અને તાલાલામાં મુશળધાર છ-છ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી હતી. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં અને ખેતરોમાં ધોવાણ સહિતની ખાનાખરાબી પણ સર્જાઈ હતી. જયારે વેરાવળ અને ઉનામાં ધોધમાર દોઢ ઈંચ તથા કોડિનારમાં એક ઈંચ વરસાદથી નિચાણનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ઉના અને ગીરગઢડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૨-૩ ઈંચ મેઘકૃપા વરસી હતી.
બરડો અને ઘેડ પંથક પણ થયો જળબંબાકાર
પોરબંદર જિલ્લામાં પણ ગઈકાલે રાતથી ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી. રેડ એલર્ટની આગાહીને સાર્થક કરતો હોય એમ સાંબેલાધારે વરસાદ વરસી પડયો હતો. આજે સાંજ સુધીમાં રાણાવાવમાં ૬ ઈંચ તથા પોરબંદર અને કુતિયાણામાં ૫-૫ ઈંચ વરસાદથી ઘેડ પંથક તો જળબંબાકાર થઈ ગયો હતો.
અમરેલી – રાજકોટમાં મેઘકૃપા સામાન્ય રહી, લોકોને રાહત
અમરેલી જિલ્લામાં આજે ધીમીધારે ઝાપટાથી અઢી ઈંચ સુધી મેઘમહેર વરસી હતી. જેમાં ખાંભામાં અઢી ઈંચ, વડિયા અને રાજુલામાં બે ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધારીમાં એક ઈંચ, અમરેલીમાં પોણો ઈંચ અને જાફરાબાદમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે લાઠી અને બાબરામાં ઝાપટાથી માર્ગો ભીના થયા હતાં. જ્યારે કે, રાજકોટ જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો, પણ આજે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. રાજકોટ શહેરમાં બપોર બાદ ધોધમાર એક ઈંચ વરસાદથી રસ્તા જળબંબોળ બન્યા હતાં. એ જ રીતે જેતપુરમાં મુશળધાર અઢી ઈંચ, જામકંડોરણામાં દોઢ ઈંચ, લોધીકામાં એક ઈંચ વરસાદ વરસી પડયો હતો. ઉપલેટા, ગોંડલ અને ધોરાજીમાં ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.
હાલારમાં છૂટક છૂટક વરસાદ રહ્યો
દ્વારકા જિલ્લામાં પણ આજે અચાનક મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં ખંભાળિયામાં ધોધમાર અઢી ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ફરી વળ્યા હતાં. આજે કલ્યાણપુરમાં એક ઈંચ અને દ્વારકામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે ભાણવડમાં જોરદાર ઝાપટું પડયું હતું. જામનગર અને મોરબી જિલ્લામાં આજે મેઘવિરામ રહ્યો હતો. જો કે, જામજોધપુર, લાલપુર, વાંકાનરે, હળવદ અને ટંકારામાં ૫-૮ મી.મી.નાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
સૌરાષ્ટ્રનાં જળાશયોમાં 22 ટકાથી વધી 50 ટકા પાણીનો જથ્થો થયો
સૌરાષ્ટ્રનાં ડેમોમાં દસેક દિવસ પહેલા રર ટકા જેટલુ પાણી હતુ તે બમણું કરતા વધુ થઈને હાલ ૪૯ ટકા સુધી પહોંચી ગયુ છે અને અનેક જળાશયોમાં આવક ચાલુ છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળનાં ૩૮ ડેમોમાં છેલ્લા ર૪ કલાકમાં પાણીની આવક થઈ છે તેમાં રાજકોટ જિલ્લાનાં દસ, જામનગરનાં ૧ર , મોરબીનાં પાંચ, દેવભૂમી દ્વારકાનાં આઠ અને સુરેન્દ્રનગરનાં ત્રણ ડેમનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લાનાં ર૭ ડેમોમાં જીવંત જથ્થો પપ.૮૦ ટકા સુધી પહોંચી ગયો
મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાનાં ર૭ ડેમોમાં જીવંત જથ્થો પપ.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે પંદર દિવસ પહેલા ર૩ ટકા આસપાસ હતો. રાજકોટ જિલ્લાનાં સૌથી મોટા ભાદર – ૧ ડેમમાં આવક સતત ચાલુ છે આજે સાંજે ર૧.૭૦ ફૂટ સુધી આવક થઈ છે. છાપરવાડી – ર , ફોફળ, ભાદર – ર ભરાઈ જતા હાલએલર્ટ આપવામાં આવ્યુ છે હેઠવાસનાં ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સુરવો ડેમમાં છેલ્લા ર૪ કલાકમાં ૬.ર૩ ફૂટ નવા પાણીની આવક થઈ છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની સંગ્રહશકિત પ૬.૧૧ ની થઈ છે જયારે ચોમાસાની આરંભે સૌથી વિકટ સ્થિતિ દેવભૂમી દ્વારકાની હતી ડેમોમાં માત્ર ૩ ટકા પાણી હતુ હાલ ૩પ ટકા પાણીનો જથ્થો આવી જતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મોરબી જિલ્લાનાં ડેમોમાં ૩ર ટકા જથ્થો અષાઢ અર્ધો વિત્યો ત્યાં આવી ગયો છે.