જૂનાગઢ તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ થતા કરોડો રૂપિયાના વ્યવહારો ખુલ્યા
- દીપ શાહ તોડ કેસમાં રૂપિયાની લેવડદેવડ કરતો હતો
- કાળા નાણાંની હેરાફેરીની તપાસ ડીજીપીએ SMCને સોંપી
- ઈન્કવાયરીનો રિપોર્ટ એસીબીમાં પહોંચ્યો ન હોવાની વિગતો મળી
ગુજરાત ATSએ જૂનાગઢ તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના ભાગીદાર દીપ શાહની ધરપકડ કરી છે. જેમાં દીપ શાહ તોડ કેસમાં રૂપિયાની લેવડદેવડ કરતો હતો. તેમજ દીપ શાહે રૂપિયા 38 લાખના વ્યવહારો કર્યા હતા. દીપ શાહ નામના ભાગીદારની ધરપકડ થતા હવે મોટા માથાના નામ ખુલવાની શક્યતાઓ અને તરલ ભટ્ટના કાળાકામના પત્તા ખુલશે.
તરલ ભટ્ટ સહિતના લોકો સામે થયેલી ઈન્કવાયરીનો રિપોર્ટ એસીબીમાં પહોંચ્યો ન હોવાની વિગતો મળી
જૂનાગઢ પોલીસના બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે થયેલા તોડકાંડ મામલે એટીએસની તપાસમાં જેલવાસ ભોગવતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ સહિતના લોકો સામે થયેલી ઈન્કવાયરીનો રિપોર્ટ એસીબીમાં પહોંચ્યો ન હોવાની વિગતો મળી છે. અમદાવાદ પીસીબીના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ સહિતના અધિકારીઓએ માધુપુરામાંથી ક્રિકેટ સટ્ટા અને શેર ડબ્બા ટ્રેડિંગના બે નંબરના નાણાંનું બોગસ બેક એકાઉન્ટમાં થતી હેરાફેરી ઝડપી એક હજાર કરોડથી વધુના કાળા નાણાંનું રેકેટ ઝડપી પાડયું હતું. જો કે, આ મામલે રચાયેલી SITના અધિકારીઓએ તપાસના નામે એકાઉન્ટ ધારકોને બોલાવીને તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાના આક્ષેપો થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા પર નિયંત્રણ લાગશે, બિલ વિધાનસભામાં પસાર
કાળા નાણાંની હેરાફેરીની તપાસ ડીજીપીએ SMCને સોંપી
માધુપુરા સટ્ટા રેકેટના કાળા નાણાંની હેરાફેરીની તપાસ ડીજીપીએ SMCને સોંપી તેમજ નાણાં પડાવ્યાના આક્ષેપોની તપાસ કરવા હુકમ કર્યો હતો. SMCએ આ મામલે ઈન્કવાયરી કરતા પૈસા લેવાયાનો ઘટસ્ફોટ થતાં ડીજીપીને રિપોર્ટ કરી લાંચનો મામલો તપાસ એસીબીને સોંપવા રજૂઆત કરી હતી. જો કે, આ મામલે અનેક મહિનાઓ વીતી ગયા બાદ પણ એસીબીને તપાસ માટે કોઈ કાગળો મળ્યા ન હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે કેરળના રહેવાસી પાસેથી રૂ.25 લાખની માંગણીના મામલે જુનાગઢ પોલીસે તત્કાલીન CPI તરલ ભટ્ટ, પીઆઈ ગોહિલ અને ASI દીપક જાની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. કેસની તપાસ એટીએસને સોંપાતા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી રીમાન્ડ લઈ જેલ હવાલે કરાયા હતા.