ગુજરાત

ગોંડલના બે કારખાનામાંથી રૂ.118 લાખની વીજ ચોરી ઝડપાઇ

Text To Speech
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. મેઘરાજા મન મુકીને વરસ્યા છે જળાશયોમાં નવા નીરની આવક થઇ ગઇ છે. બીજી તરફ ચોમાસાની આડમાં હજુ પણ છાનેખૂણે વીજ ચોરી થઇ રહ્યાની વિગતો પીજીવીસીએલને મળી રહી છે જેને ધ્યાનમાં રાખી ચોમાસામાં પણ વીજ ચેકિંગનો દૌર સતત શરુ રાખવામાં આવ્યો છે. તાજેતરમાં પીજીવીસીએલ રાજકોટ રૂરલ સર્કલ ઓફિસ તરફથી કરવામાં આવેલી વીજ ચેકિંગ દરમિયાન ફકત બે કારખાનાઓમાંથી જ રૂ. 118 લાખની વીજ ચોરી ઝડપાઇ છે.
કારખાનામાં વીજ જોડાણ ચેક કરતાં કુલ 48.72 કી.વો. લોડ જોડયાનું માલુમ પડ્યું
હાલ પીજીવીસીએલ દ્વારા ઔદ્યોગિક અને કોમર્શિયલ વીજ જોડાણમાં ચેકિંગ બાદ પાવર ચોરી ઝડપી લેવામાં આવી છે જે રાજકોટ જિલ્લામાંથી જામવાડી જીઆઇડીસીમાંથી ઝડપાઇ છે. ઇન્સ્ટોલેશન ચેકીંગ સ્કવોડ દ્વારા તા. 16-6-2022નાં રોજ ફ્યુઝન ઇન્ડસ્ટ્રીઝ, ભરૂડી ગામ પાસે આવેલ કિચનવેરનાં કારખાનામાં વીજ જોડાણ ચેક કરતાં કુલ 48.72 કી.વો. લોડ જોડેલ હોવાનું માલુમ પડેલ. આ મીટર બળેલી હાલતમાં શંકાસ્પદ જણાતા વિશેષ ખરાઈ અર્થે મીટર સિલ કરવામાં આવેલ. તા. 11-7નાં રોજ મીટર ટેસ્ટિંગ લેબમાં ગ્રાહકનાં પ્રતીનિધીની હાજરીમાં મીટર તપાસમાં ગેરરીતિ જણાયેલ અને આ અંગે મીટર ચોરીનું રૂ.29 લાખનું પુરવણી બિલ ગ્રાહકને આપવામાં આવેલ છે.
બીજા કારખાને મીટરપેટી ઉપરના સિલોની ચકાસણી કરતા શંકાસ્પદ જણાયા
દરમ્યાન ઇન્સ્ટોલેશન ચેકીંગ સ્કવોડ દ્વારા તા. 18-6-2022નાં રોજ જામવાડી જીઆઈડીસીમાં આવેલ શ્રીનાથ પોલી પ્લાસ્ટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં વીજ જોડાણ ચેક કરતા કુલ 92.7 કી.વોટ લોડ જોડેલ હોવાનું માલુમ પડેલ. આ મીટરપેટી ઉપરના સિલોની ચકાસણી કરતા શંકાસ્પદ જણતા મીટર પેટી સહિત વિશેષ ખરાઈ અર્થે સિલ કરવામાં આવેલ. તા. 11-7-2022નાં રોજ મીટર ટેસ્ટિંગ લેબમાં ગ્રાહકના પ્રતિનિધિ ની હાજરીમાં મીટર તપાસતાં ગેરરીતિ જણાયેલ અને આ અંગે પાવર ચોરીનું રૂ. 89 લાખનું પુરવણી બિલ આપવામાં આવેલ છે.
હાલમાં ઔધોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોનું મોટા પાયે સઘન વીજ ચેકીંગ
આમ રાજકોટ ગ્રામ્ય સર્કલ હેઠળ ગોંડલનાં ઔધોગિક વિસ્તારોમાં વીજ જોડાણોની ચકાસણી કરતા ફકત બે કારખાનામાં જ કુલ રૂ. 118 લાખનાં વીજ ચોરી નાં પુરવણી બિલો આપવામાં આવેલ છે.  સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા હાલમાં ઔધોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોનું મોટા પાયે સઘન વીજ ચેકીંગ ચાલુ છે અને રોજની લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ રહી છે. આ ચેકીંગ ઝુંબેશથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ઈમાનદાર ગ્રાહકો દ્વારા પીજીવીસીએલ ની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
Back to top button