ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ સહન કરવામાં નહીં આવે: ભારતની UNમાં પાકિસ્તાન અને તુર્કીએને ફટકાર

  • જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની 55મી માનવાધિકાર પરિષદનું આયોજન
  • કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશે દખલ ન કરવી જોઈએ: ભારત 

જિનીવા(સ્વિટ્ઝરલેન્ડ), 29 ફેબ્રુઆરી: સ્વિટ્ઝરલેન્ડની રાજધાની જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની 55મી માનવાધિકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની આ માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તુર્કીએ પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. ભારત પરના આ ગંભીર આરોપોનો જડબાતોડ જવાબ આપતાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ચેતવણી પણ આપી હતી કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશે દખલ ન કરવી જોઈએ. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી કે તુર્કી બીજી વખત આવું નહીં કરે.

 

તે જ સમયે, ભારતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા અંગે પાકિસ્તાનના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પાકિસ્તાન અલગ-અલગ વિષયો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ આ વખતે તુર્કીએ પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.

પાકિસ્તાન અને તુર્કીએને ભારતનો જડબાતોડ જવાબ

ભારત પરના આરોપોનો જવાબ આપતા ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે કહ્યું કે, “ભારતના આંતરિક મામલામાં તુર્કીની ટિપ્પણી દુઃખદ છે અને અમે આશા રાખીએ છીએ કે, ભવિષ્યમાં તુર્કીએ અમારા આંતરિક મામલામાં ટિપ્પણી કરવાનું ટાળશે. ઉપરોક્ત આરોપો અંગે અમે કહેવા માંગીએ છીએ કે, એકવાર ભારત પર પાયાવિહોણા આક્ષેપો કર્યા બાદ પણ ફરી કાઉન્સિલના પ્લેટફોર્મનો દુરુપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. ભારત સરકારે અહીં સામાજીક અને આર્થિક વિકાસની સાથે વધુ સારા શાસન માટે ભારત સરકારે અહીં બંધારણીય ફેરફારો કર્યા છે અને આ ભારતનો આંતરિક મામલો છે.”

શું હતું તુર્કીએનું નિવેદન?

તુર્કીએના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે, દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાય સાથે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. ભારત-પાકિસ્તાને આ મામલો વાતચીત અને સહયોગ દ્વારા ઉકેલવો પડશે. કાશ્મીરમાં શાંતિ માટે જે પણ પગલાં લેવામાં આવશે તેને તુર્કીએ સમર્થન આપશે.”

અગાઉ તુર્કીએ દ્વારા UNHRCમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે એર્દોગને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા ઉકેલવાની વાત કરી હતી. ગત વર્ષે પણ તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે, કાશ્મીરની સમસ્યા 74 વર્ષથી ચાલી રહી છે. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને આનો ઉકેલ લાવવો જોઈએ. 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ તુર્કીએ કહ્યું હતું કે, આનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

આ પણ જુઓ: આ ભારતીય મહિલા વિશ્વમાં પ્રખ્યાત, ટોપ-5 ધનીક દેશોમાં ભારત સામેલ

Back to top button