અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2024, ગુજરાતી ગાયક કિંજલ દવેના ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક ગીત મુદ્દે વિવાદ થયો છે.`મોગલ છેડતા કાળો નાગ’ ગીતના અનધિકૃત ઉપયોગ અંગે રાજકોટ કોર્ટમાં નરહરભાઈ ગઢવી દ્વારા શિવ સ્ટુડિયોના માલિક ભાવિન ખખર સામે કોપીરાઇટ એકટના ભંગનો દાવો કરવામા આવ્યો છે. જેમાં અરજદારે જણાવ્યું હતું કે મોગલ છેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા આપાભાઈ ગઢવીએ લખ્યું છે. તેને કંપોઝ પણ તેમને કર્યું છે. જેથી વારસાઈની દ્રષ્ટિએ તેમનો આ ગીત ઉપર હક્ક છે.
અરજદારના પિતા ગુજરાતી ભજનો લખતા હતા
આ અંગે શીવ સ્ટુડિયો તરફથી જણાવવામાં આવ્યું હતુ કે, આ એક ધાર્મિક ગીત છે અને 1993થી તે ગવાતું આવ્યું છે. અનેક ગુજરાતી કલાકારો તેને ગાઈ ચૂક્યા છે તેમની સામે કેસ કરવામા આવ્યો નથી. અરજદાર પાસે પણ આ ગીતના અધિકારને લઈને કોઈ પુરાવા નથી. આ મામલે ગાયક હેમંત ચૌહાણ સામે પણ કોપીરાઇટ ભંગનો કેસ થયો હતો. જેમાં નક્કી થઈ શક્યું નહોતું કે આ ગીત અરજદારની માલિકીનું છે કે કેમ? કોર્ટ સમક્ષ દલિલ કરવામાં આવી હતી કે, અરજદારના પિતા ગુજરાતી ધાર્મિક ભજનો લખતા હતા. 60 વર્ષ સુધી કોપીરાઇટ તેના માલિક પાસે રહે છે. જેથી શિવ સ્ટુડિયોને તે ગીત પ્રસારીત કરવાની મંજૂરી આપી શકાય નહિ.
હાઈકોર્ટે રાજકોટ કોર્ટના હુકમને યથાવત રાખ્યો
રાજકોટ કોર્ટે અરજદારની અરજી માન્ય રાખીને શીવ્ સ્ટુડીયોને આ ગીતની રજૂઆત કરતા રોકવા હુકમ કર્યો હતો. રાજકોટ કોર્ટના આ હુકમ સામે શિવ સ્ટુડિયોના માલિકે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણીમાં અરજદારે જણાવ્યું હતુ કે, તેઓ તેમના સ્ટુડિયોમાં ગીતો રેકોર્ડ અને પબ્લીશ કરે છે. આ ગીતના મૂળ લેખક 1994માં ગુજરી ગયા હતા અને આ આ ગીત પબ્લિક ડોમેનમાં છે. કોર્ટના હુકમ બાદ આ ગીત યુટ્યુબ ઉપરથી હટાવી લેવાયુ છે. ત્યારે હાઈકોર્ટે તમામ દલીલો સાંભળી રાજકોટ કોર્ટના હુકમને યથાવત રાખ્યો હતો.
આ પણ વાંચોઃસચિવાલયના નાયબ સેકશન ઓફિસર સાથે મહિલા અધિકારીને પ્રેમ ભારે પડ્યો, દુષ્કર્મની ફરિયાદ