ગુજરાત

રાજકોટ : ન્યારી ડેમમાં કાર નાંખી સ્ટંટ કરનાર એક નબીરાની ધરપકડ, બેની શોધખોળ

Text To Speech

રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે ન્યારી ડેમમાં કેટલાક નબીરાઓ ઊંડા પાણીમાં થાર કાર ચલાવી ઇન્સ્ટા માટે વીડિયો બનાવતા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાલુકા પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ નબીરાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી

આ મામલે રાજકોટ તાલુકા પોલીસે સ્મિત કિશોરભાઈ સખીયા, છાયાંશું અશોકભાઈ સગપરીયા તેમજ રવિ વેકરીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ આરોપીઓ પૈકી છાયાંશું અશોકભાઈ સગપરીયાને થાર કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગુનાના કામે વપરાયેલ કાર પોલીસે કબજે પણ કરી છે. જ્યારે કે સ્મિત કિશોરભાઈ સખીયા તેમજ રવિ વેકરીયાની રાજકોટ તાલુકા પોલીસ તરફથી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કલેક્ટર તંત્રની અપીલને પણ ગણકારી નહીં
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ માત્ર 24 કલાકમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસ્યો હતો. જેના કારણે કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા લોકોને ટ્વિટરના માધ્યમથી અપીલ પણ કરવામાં આવી હતી કે, લોકો તળાવો, સરોવર, ચેકડેમ તેમજ ડેમની આસપાસ પ્રવાસ ન કરે. ત્યારે સ્મિત છાયાંશુ તેમજ રવિ સહિતના વ્યક્તિઓ પોતાના મિત્રો સાથે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં થાર કાર લઈને પસાર થતા હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો. આ અંગેનો વીડિયો ઈન્સ્ટગ્રામમાં અપલોડ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલાની જાણ તાલુકા પોલીસને થઇ હતી. જે બાદ સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્મિતે ડ્રાઇવિંગ કર્યું, છાયાંશું તેમજ રવિ દરવાજે ઉભા
પોલીસના જણાવ્યા અનુસાર ન્યારી ડેમના છેવાડાના ભાગે જ્યાં પાણી ભરાયેલા હતા તેમાં થાર ગાડી લઈને સ્મિત સખિયા ડ્રાઇવિંગ કરવા ગયો હતો. ગાડીના બંને દરવાજે છાયાંશું તેમજ રવિ વેકરીયા ઊભા રહી ઊંડા પાણીમાં થાર કાર ચલાવી સ્ટંટ કરતા હતા. જેનો વીડિયો સત્યજીતસિંહ ઝાલાએ ઉતાર્યો હતો.
Back to top button